પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સખારામે મહોટો ઘાંટો કહાડી કહ્યું,

’સાહેબ કહ્‌યચ્છ્‌યે કે ધાંધલ નહિ કરવા.’

એક પાર્શ્વચર બોલી ઊઠ્યો,

જા! રે ! સાહેબવાળી ! સાહેબ તો આ બેઠો.’ એમ કહી બંબેરાવ તરફ આંગળી કરી.

’સાહેબે પૂછ્યું, સખારામ, હીડર ડેકો. ક્યા બોઓલા ?’

’ઓ મેન સાહેબ ઐસા કહેતા.’

’સકારામ, હીડર ડેખો, હમ ફિકર નહિ. નિકાલો.’

સખારામે પાર્શ્વચરો તરફ જોઈ કહ્યું,

’સાહેબ કહ્‌યેચ્છ્‌યે કે કેવા ભી સાહેબ હસ્યે તો નિકાલસ્યે.’

આ ધમકી આપી સાહેબ અને સખારામ ચાલ્યા ગયા. પાર્શ્વચરોમાં ધીમું ધીમું હાસ્ય અને ધીમી ધીમી વાતચીત ચાલી રહી. ચકડોળ પાછું ચાલવાને વાર હતી અને બીજા કેટલાક ખેલ થતા હતા તે ચકડોળ પર બેઠા બેઠા જોવા લાગ્યા. બંબેરાવને પીવા સારુ પાર્શ્વચરો બહારથી ગ્લાસમાં સોડાવોટર કે લેમોનેડ કે એવું કંઈ લઈ આવ્યા, ભદ્રંભદ્ર આ જોઈ ચકિત થઈ બોલ્યા,

’સંયોગીરાજ ધર્મનિષ્ઠ છતાં પોતાના મંડળમાં આવો અનાચાર થવા દે છે ? પાણી સ્પર્શથી ભ્રષ્ટ અને પાત્ર વિદેશીય !’

વલ્લભરામે કહ્યું, ’પાણી સંબંધનો વાંધો ખરો છે. પાણી પવિત્ર હોઈ પાવન કરે છે તે પારકાને, પોતાને નહિ. પોતે તો પારકાથી ભ્રષ્ટ થાય છે. પરંતુ, પાત્ર સામે વાંધો તેની વિદેશિતામાં છે કે સ્પર્શની થયેલી ભ્રષ્ટતામાં છે ?

’બંનેમાં ભેદ એટલો છે કે, - વિદેશમાં કાચ કે માટીનાં બનાવેલાં પાત્ર દૂષિત હોય છે કેમ કે બનાવતી વેળાનાં જલબિન્દુ તેમાં વળગી રહેલાં હોય છે અને મ્લેચ્છતામાં રહેલી ચિકાશને લીધે પાત્ર ગમે તેટલાં ધોયાં કે સૂકવ્યાં પછી પણ પાત્રોમાંથી એ મલેચ્છ જલબિન્દુ જતાં નથી અને એ પાત્ર મ્હોડે અડકારનાર મ્લેચ્છજળનાં એ બિન્દુનું પાન કરી અધોગતી પામે છે; પરંતુ વિદેશમાં બનેલાં ધાતુનાં વાસણોમાં એ દોષ રહેતો નથી. કેમ કે આ દેશનાં ધાતુનાં વાસણ સાથે તે મળી જઈ શકે છે અને એ સંસર્ગથી આ દેશનાં વાસણની શુદ્ધિ તે પાત્ર પ્રાપ્ત કરી શકે છે. સ્પર્શથી થયેલી ભ્રષ્ટતા તો વિદેશના તેમ જ આ દેશના પાત્રમાં શાશ્વત ટકી રહે છે. વાસણ બનતી વખતના સ્પર્શ અને વાસણ બન્યા પછીના સ્પર્શમાં એતલો ફેર રહે છે. કારણ એ છે કે વાસણ બન્યા પછી તેમાં કંઈ જડતા, દઢતા અને આગ્રહ આવે છે, તેથી, લીધેલી ભ્રષ્ટતા કોઈ રીતે છૂટતી નથી. આ જ કારણથી મેં સરકારમાં ઘણી અરજીઓ કરી માગણી કરી છે કે જે દારૂના પીઠામાં હિન્દુઓ જતા હોય ત્યાં બ્રાહ્મણ, વાણિયા વગેરે નાતવાર જુદાં જુદાં ધાતુનાં પવાલાં રાખવાં જોઈએ કે દારૂની મલિનતા ઉપરાંત વિદેશિતાની અને સ્પર્શની મલિનતા પાત્રો દ્વારા પીનારમાં ન પેસે. હજી સુધી અરજીઓના જવાબ મળ્યા નથી.’

’મળે ત્યારે વંચાવજો.’

એ વાક્ય બોલનાર ત્રવાડી હતા, તે વલ્લભરામની પાસે આવીને બેઠા હતા. ભદ્રંભદ્ર બોલી રહ્યા પછી તેમણે વલ્લભરામના કાનમાં કંઈ કહ્યું. વલ્લભરામ ઊઠીને તેમની સાથે સંયોગીરાજ પાસે ગયા. મસલત કર્યા પછી સંયોગીરાજ ભદ્રંભદ્ર પાસે