પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વેશ્યાના નાચ સામેનો સુધારાવાલાનો વાંધો કેવો ધિક્કારપાત્ર છે તે તમારા પ્રમુખે હમણાં જ કહ્યું. એ રૂઢિ આપણે બંધ કરીએ તો આપણી શ્રેષ્ઠ સંસારવ્યવસ્થામાં ખામી હતી એવો લજ્જાભર્યો સ્વીકાર કરેલો કહેવાય અને તે પાશ્ચાત્ય પ્રજાઓના જાનવામાં આવે ત્યારે તેથી આપણે નીચા પડી જઈએ એ નક્કી છે. સુધારાવાળા કહે છે કે વેશ્યાના નાચની શાસ્ત્રમાં આજ્ઞા નથી, પરંતુ, શાસ્ત્રમાં હોળીના ઉત્સવની આજ્ઞા છે ; અને હોળી કરતાં એ નાચ વધારે અશ્ર્લીલ કે અસભ્ય છે એમ સુધારાવાળા પણ કહેતા નથી. હોળી શાસ્ત્રવિહીન છે તેથી તે વિશે કંઈ કહેવાનું રહેતું નથી. જે વચનો કે ગીતાને સુધારાવાળા અમર્યાદ કહે છે તેથી આજ સુધી આપણે બગડ્યા નહિ તો હવે પછી કેમ બગડીશું ? વળી વિનોદ, તથા મનોરંજનના ઉપાયોથી મનની અધોગતિ થાય એ સુધારાવાળાના મૂર્ખતાભર્યા મસ્તિષ્ક વિના અન્યત્ર ખરું મનાતું નથી.’

બંબેરાવના ખભા ઉપર ઊભા રહેનારે વધારે ભાર મૂકી તથા કૂદાકૂદ કરી પીડા કર્યાથી બંબેરાવે તેને બચકું ભર્યું અને તે નીચે ગબડી પડ્યો તેથી કોલાહલ થઈ રહ્યો. કેટલીક રસાકસી, તકરારો અને લડાઈઓ પછી બીજા પાર્શ્વચરને એ કામ પર ચઢાવવામાં આવ્યો. ગરબડ થવાથી સાહેબ સખારામને લઈને અંદર આવ્યા, પણ તરત પાછા ચાલ્યા ગયા અને ઘણાને જોવામાં આવ્યા નહિ. શાન્તિ થયા પછી સંયોગીરાજે પાઘડી માથે પહેરી લીધી અને તત્કાળ સર્વ પાર્શ્વચરોએ તેમ કર્યું. ત્રવાડી પલાળેલા કંકુથી ભરેલું એક કૂંડું લઈ આવ્યા અને તે સંયોગીરાજની પાસે મૂક્યું. સંયોગીરાજે પોતાની લાકડીનો છેડો તેમાં બોળી ભદ્રંભદ્ર પાસે જઈ તેમના કપાળમાં લાકડીના છેડાથી ચાંલ્લો કર્યો. પાર્શ્વચરો એક પછી એક તે પ્રમાણે કરી જઈ પ્રદક્ષિણા કરવા લાગ્યા. ચાંલ્લા માતે જરૂર હોય તે કરતાં વધારે જોરથી કોઈ કોઈ લાકડીનો સ્પર્શ ભદ્રંભદ્રના કપાળમાં થતો હતો પણ તે વિશે ફરિયાદ કરવી એ ઘટિત નહોતું. અને ભદ્રંભદ્રને ખોટું લાગતું પણ નહોતું. ભદ્રંભદ્ર ઊભેલા હતા તેને લીધે કોઈ કોઈને લાકડી ઊંચી કરવી પડતી હતી તેથી ચાંલ્લો કરનારનો જ વાંક હતો એમ હતું નહિ. ઉલ્લાસ પામી ભદ્રંભદ્રે ભાષણ શરૂ કર્યું,

’ધન્ય પૂજકો ! આપ ભિન્ન ભિન્ન જ્ઞાતિના છતાં એકત્ર થઈ આર્યજનના ઉત્કર્ષણનું આ ઉત્તમ કાર્ય કરો છો એ મહા આનંદનું કારણ છે. પણ એક આખી જ્ઞાતિ તરફથી આવાં કાર્ય થતાં નથી એ ખેદની વાત છે, જ્ઞાતિ શુભ કાર્ય માટે જ એકત્ર થઈ શકતી નથી અને અનિષ્ટ કાર્ય તથા ઈર્ષ્યા પ્રવૃત્તિ માટે જ એકત્ર થઈ શકે છે, એ સુધારાવાળાનો વાદ આપણે અંગીકાર કરતા નથી, કેમ કે જ્ઞાતિથી જ આ દેશની આધુનિક ઉત્તમ સ્થિતિ થઈ છે અને જળવાઈ રહી છે; એ આર્યપક્ષનો સિદ્ધાંત છે અને જ્ઞાતિની વ્યવસ્થાને લીધે જ સુધારાવાળાના એક એક પ્રયત્નને આપણે નિષ્ફળ કરી શક્યા છીએ અને કરી શકીશું. મારો કહેવાનો ઉદ્દેશ ભિન્ન જ છે. મારી જ્ઞાતિના જનો મારો ઉત્કર્ષ તથા વિજય સ્વીકારે નહિ તેથી સ્વજ્ઞાતિમાં મારી પદવી ઊતરતી છે એમ આપે માનવું નહિ; અમુક જ્ઞાતિજનોના દ્વેષનું જ એ પરિણામ છે અને એ દ્વેષીઓનો સમુદાય જ્ઞાતિમાં બહુ મહોટો છે એટલું જ અનુમાન કરવું. જ્ઞાતિપદવી ઉચ્ચ હોવા વિના મનુષ્ય સન્માનયોગ્ય હોઈ શકતો નથી તેથી આમ કહેવાની અગત્ય પડે છે.