પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મ્લેચ્છો આપણા સન્માનને યોગ્ય થઈ શકતા નથી તેનું કારણ એટલું જ છે કે તેમનામાં જ્ઞાતિ ન હોવાથી તેમને જ્ઞાતિપદવી હોતી નથી. રાજકીય ઉન્નતિ પ્રવર્તાવવા વિષે જે સુધારાવાળા ઇંગ્લેંડ જઈ જ્ઞાતિપદવી ખોઈ બેસનાર અને જ્ઞાતિના સંસર્ગથી દૂર થનારને જ્ઞાતિ જ પોતામાંનો ન માને તો તે દેશનો પ્રતિનિધિ કેમ ગણાય ? જ્ઞાતિપદવી વિનાનો મનુષ્ય દેશને કામનો નથી, તેથી મારી ઉચ્ચ જ્ઞાતિપદવી સ્થાપન કરવા હું ઉત્સુક છું. મારે, જ્ઞાતિના મનુષ્યોના અનેક શ્રમ લેવા પડ્યા, જ્ઞાતિની સભાઓ મેળવવી પડી, માર ખાવો પડ્યો, કારાગૃહમાં જવું પડ્યું; એ સર્વ ઐતિહાસિક વૃત્તાંત લક્ષમાં લેશો તો અનાયાસે સમજાશે કે જ્ઞાતિમાં મારું મહત્વ કેટલું છે અને તેને લીધે દેશમાં મારું મહત્વ કેટલું છે. જ્ઞાતિના કલહને લીધે મારે કારાગૃહમાં જવું પડ્યું; એને સુધારાવાળા લજ્જાકર કહેતા હોય તો તેમના વચન પર વિશ્વાસ કરવો નહિ; કેમ કે તેઓ તો સીમંત સરખી ભવ્ય, સુંદર, ગંભીર, તત્ત્વચિંતનભરી તથા શાસ્ત્રાનુસાર રૂઢિને પણ લજ્જાકર કહે છે. તથા સીમંતનો વાઘ ખરેખરા વાઘથી તેમ જ તાબૂતના વાઘથી વધારે ભયંકર હોય છે અને તાબૂતના વાઘની પેઠે સીમંતના વાઘને પણ પૂછડીથી પકડી રાખવામાં આવતો ન હોય તો તે સુધારાવાળાનું નિકંદન કરી નાખે એટલું પણ તેઓ જાણતા નથી.’

’આ રીતે જ્ઞાતિમાં અને જ્ઞાતિ બહાર મારું મહત્વ એકસરખું સિદ્ધ થાય છે, તો એટલું જ બાકી રહે છે કે આ પ્રસંગનો લાભ લઈ તમારે વિશાળ બ્રહ્મભોજન કરવું જોઈએ. એથી ભોજન કરનાર ભૂદેવોને થવાના જૂજ લાભ ઉપરાંત તમને મહાપુણ્યની પ્રાપ્તિ થશે. વળી મહોટું ટાણું આવે ત્યારે ભારે ખરચ ન કરવો એ સુધારાવાળાના વાદનું ખંડન કરી મારા તથા આર્ય પક્ષના જયપ્રસંગમાં એક વધારો કરી શકશો. ખરચ ન કરવો એ મત કેવો હાસ્યપાત્ર તે તમારા સરખા સુજ્ઞોને વિસ્તારથી કહી બતાવવું ઉચિત નથી. ખરચ કર્યા વિના જ્ઞાતિજનોને સંતોષ શી રીતે થાય, ખરચ કર્યા વિના ખ્યાતિ શી રીતે થાય, લગ્નમરણને પ્રસંગે નહિ તો ક્યારે ખરચ થાય, એ સર્વ વિચાર જ જેમના ચિત્તમાં ઉત્પન્ન થઈ શકતા નથી, તેમના તર્ક અને પ્રમાણ વિશે શું કહેવું છે ! ખરચની રૂઢિ થવાથી નિર્ધન જ્ઞાતિઓને મહાહાનિ થાય છે, ધંધાદારીઓ તથા કારીગરો પાસે મૂડી રહેતી નથી, ગરીબ કુટુંબો વંશપરંપરા દેવામાં રહે છે, એવી એવી વેદવિરોધી તથા શાસ્ત્રવિમુખ યુક્તિઓ લાવનાર નિર્બુદ્ધિઓને એ જ ઉત્તર ઘટે છે કે અમારા બાપદાદા એ બધું સમજતા હતા તે છતાં તેમણે એ રૂઢિઓ બાંધી છે અને એવાં પરિણામ થતાં તે જોતા હતા તે છતાં, તેમણે આ રૂઢિઓ બદલી નથી. નાણાંની તાણ એ કાંઈ ખરચ ઓછા કરવાનું કારણ નથી. કેમ કે નાણાં ઘટાડવા માટે જ ખરચ કરવામાં આવે છે. ભારે ખરચથી જે પ્રતિષ્ઠા મળે છે તે નાણાં ઘટાડવાના કારણથી જ મળે છે. વળી, ધન વધારી જ્ઞાતિમાં મળતી પ્રતિષ્ઠા ઓછી કરવી એવિપરીત મત આર્યપક્ષને માન્ય નથી. જ્ઞાતિમાં મળતી પ્રતિષ્ઠા વધારી ધન ઓછું કરવું એ જ આર્યપક્ષને માન્ય છે. માટે સુધારાવાલાના પાખંડવાદની અવગણના કરી સર્વ એ મહાન પ્રયાસમાં પ્રવૃત્ત થાઓ, અને તેથી નિશ્ચિત તમારું શ્રેય થશે એમ