પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને એમ લીધાથી આપના ધર્માચરણમાં ભંગ થતો હોય તો યોગ્ય લાગે ત્યારે પાછા મોકલજો, હાલ પાંચ રૂપિયા લ્યો.'

ઉતારુ લેતાં કચવાતો હોય તેમ જણાયો. તે કહે, 'સારા માણસને કોઈ વખત આમ શરમાવા જેવું થાય છે.'

ભદ્રંભદ્ર કહે, 'એમાં શરમાવાનું કંઈ નથી. આપ જેવા સદ્ગૃહસ્થને ઘણા ઓળખીતા મળે. લ્યો, અવશ્ય લ્યો.'

તેણે જરા વિચાર કરી કહ્યું, 'ત્યારે તો સાત આપો. સંખ્યા પણ પુણ્ય છે અને મારી ગણતરીમાં પણ ભૂલ ન પડે. લાવો મહારાજ કૃપા થઈ. માફ કરજો, મારું નામ હરજીવન છે. વડોદરાનું સ્ટેશન હમણાં આવશે. મને તેડવા આવનારને મારે ક્યાં ઊતરવાનું તે પૂછી લઈશ. પછી મારું ઠેકાણું આપને કહીશ - આપનું પણ લખી લઈશ. ભાઈ સાહેબ ! ઊતરવાનું કંઈ નિશ્ચિત નહિ. એકને ત્યાં ઊતરીએ તો બીજાને ખોટું લાગે. શું કરીએ ? વડોદરામાં મારે ઝાઝું ઓળખાણ છે.'

ભદ્રંભદ્ર કહે, 'હોય, કેમ ના હોય !'

હરજીવન કહે, 'પાછા આપવાની શરત તો ખરી. પણ તોય રૂપિયા લેતાં મને શરમ આવે છે. એટલો લાભ પણ લીધો કહેવાય. લ્યો, મહારાજ, પાછા લ્યો.'

ભદ્રંભદ્ર આ ટેક જોઈ ચકિત થઈ ગયા. તે બોલ્યો, 'એક મનુષ્યમાં વિદ્વત્તા, સુજનતા, પ્રમાણિકતા ઇત્યાદિ સર્વ મહાગુણો સાથે રહી શકે તે આજ લગી મારા માનવામાં નહોતું, હવે નિશ્ચય થયો. ના મહારાજ, રૂપિયા હાલ રાખો. એટલી મારા પર કૃપા કરો.'

હરજીવને આનાકાનીથી રૂપિયા રાખ્યા. તે કહે, 'મહારાજ, રૂપિયાને બદલે એક લાભ આપને આપવા દો. એથી મને સંતોષ થશે; મુંબાઈમાં મારે એક શ્રીમંત મિત્ર છે. તેના વાલકેશ્વરના બંગલામાં શિવનું ગુપ્ત મંદિર છે. લોકોને તે વિશે ખબરે નથી. તેનાં દર્શન કોઈને તે કરાવતો નથી. રોજ પૂજાસામગ્રીમાં રોકડા હજાર રૂપિયા થાય છે. સાક્ષાત્ શિવ ત્યાં પધારે છે. મારે તો પોઠિયા બાબત લડાઈ, નહિ તો નિત્ય દર્શન જરૂર થાય. પણ એ તો મારો જીવજાન દોસ્ત છે. મારો જામીન હંમેશ એ જ થાય છે, પણ ફક્ત નામ બદલવાં પડે.'

ભદ્રંભદ્રે પૂછ્યું, 'શેના જામીન ?'

હરજીવને હસીને કહ્યું, 'એ તો મારાથી કહેવાઈ જવાયું. ફિકર નહિ. આપ જેવાને કહેતાં હરકત નહિ. એ તો શિવ અને ગણપતિની તકરાર. જેવા આપણે ઘેર ટંટા તેવા દેવને ઘેર પણ હોય જ તો. કાર્તિકસ્વામીની બાબતમાં તકરારમાં અંતે સલાહ થાય ત્યારે ગણપતિનો જામીન હું થાઉં અને મારો જામીન એ મારો મિત્ર થાય. એના પર આ ચિઠ્ઠી લખી આપું છું. એ તમને દર્શન કરાવશે. તમને આસ્થા છે.'

આમ વાત કરતાં વડોદરાનું સ્ટેશન આવ્યું. ગાડી ઊભી રહી એટલે હરજીવન એક પોટલું ભદ્રંભદ્રને સોંપી નીચે ઊતર્યો અને કહ્યું કે 'આ રાખો, હું આવું છું.' થોડી વારે પાછા આવી પોટલું લઈ કહ્યું કે, 'શું કરું મહારાજ ? ઊતરવાનું હજી નક્કી