પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શંકરભાઈ આવી પહોંચ્યા હોય એમ જણાયું.એમણે કેટલાકને લાત લગાવી, કેટલાકને ધક્કા માર્યા. કોલાહલ થઈ રહ્યો. ભદ્રંભદ્રને આવીને કહે કે ‘તમે પણ પારકે ઘેર આવું ધાંધલ કરો છો ? આવા ભામટાઓને ઘરમાં એકઠાં કરો છો ?’ ચાકરને કહે કે, ‘તેં માળિયા પરથી કુહાડી કેમ ઉતારી ?’ તે કહે કે, ‘માગી તે હું શું કરું?’ સ્વામી સેવકનો વિરોધ શમાવવા ભદ્રંભદ્રે ધીમે રહી કુહાડી નીચે મૂકી દીધી. તે બે જણા ખુલાસાથી વાત કરી શકે તે માટે હું તથા ભદ્રંભદ્ર નીચે ઊતરી ગયાં. નીચે ઊભેલ ટોળાની તાળીઓ, હર્ષના પોકાર, ‘હુરિઓ’, ‘એઈ ચોર’, ‘લીજીયો’ ઇત્યાદી જયધ્વનિ શ્રવણ કરતા અને મુદિત થતા અમે માધવબાગમાં જઈ પહોંચ્યા.

ત્યાં લોકોનાં ટોળાં આવેલાં હતાં તથા આવ્યે જતાં હતાં. શોરબકોર થઈ રહ્યો હતો. કાને પડ્યું સંભળાતું નહોતું. સભાનો ઉદ્દેશ પહેલેથી લોકોનાં મનમાં ઠસાવવા જાતજાતનાં ચોપાનિયાં તથા પાનિયાં વહેંચાતાં હતાં. કેટલાંકમાં ગોરક્ષાનો બોધ હતો. કેટલાંકમાં સુતરપાડા ગામમાં કેદારેશ્વર મંદિરના બાવાના નિર્વાહ સારુ ઉઘરાણીની રકમો માગેલી હતી. કેટલાકમાં 'સાડાત્રણ દોસ્તદારની વાર્તા'ના ગુણ તથા રસિકતા વર્ણવેલાં હતાં. કેટલાંકમાં બલવર્ધક ચૂર્ણની રામબાણ સફળતા વિસ્તાર તથા ઉદાહરણ સહિત પ્રસિદ્ધ કરેલી હતી. આવા મોટા પાયા પર તથા વિવિધ સામગ્રીથી ઊભી કરેલી સભાની અદ્ભુત યોજના ભદ્રંભદ્રે પણ કલ્પી નહોતી.


૬. માધવબાગમાં સભા

સભામંડપમાં લોકો ખુરશીઓ અફાળતા હતા અને પાટલીઓ પછાડતા હતા; તે દુંદુભિનાદ રણમાં ચઢવા તત્પર થયેલા આર્યભટોને પાનો ચઢાવતો હતો. પાછળથી આવ્યા જતા ટોળાના ધક્કાથી આગલી હારમાં ઊભેલા લોકો ખુરશીઓ પર બેઠેલા લોકો પર તૂટી પડી તેમને સ્થાનભ્રષ્ટ કરતા હતા; તે વ્યુહરચના આર્યસેનાની સંગ્રામ આરંભ કરવાની ઉત્સુકતા દર્શાવતી હતી. ભીડમાં કચરાઈ જવાની બીકથી અને સભાના સર્વ ભાગનું દર્શન કરવાની ઇચ્છાથી થાંભલા પર ચઢી ગયેલ લોકો એક હાથે પાઘડી ઝાલી રહેલા હતા; તે યુદ્ધમાં અદ્‌ભુત શૌર્ય દર્શાવી, પ્રાણવિસર્જન કરનારને વરવા વિમાન ઝાલી ઊભી રહેલી અપ્સરાઓની ઉપમા પામતા હતા.

આ ભીડમાં અને ઘોંઘાટમાં સભાના અગ્રેસરનું દર્શન કરવાની કે ભાષણમાંનો એક શબ્દ પણ સાંભળવાની આશા મૂકી ઓટલા નીચે અમે ઊભા હતા, એવામાં રામશંકર અને શિવશંકર આવી પહોંચ્યા. તે કહે કે ’અહીં કેમ ઊભા છો ? ચાલો, રસ્તો કરીશું.’ તેમની સાથે અમે ભીડમાં ઘૂસ્યા. કેટલાકને પછાડી હઠાવ્યા, કેટલાકની વચ્ચે પેઠા. હું આ ધમાધમથી કંટાળી પાછા ફરવાનું કરતો હતો. પણ તેમ કરવું યે મુશ્કેલ હતું. ભદ્રંભદ્ર કહે કે, ’આપણે ધૈર્ય રાખવું જોઈએ. જો,