પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઓળખાણ આપી અમે મુકામ કર્યો.

જમીને શંકરભાઈ સામા માળામાં પત્તાં ખેલવા ગયાં. ભદ્રંભદ્ર સભામાં જવા સારું સજ્જ થયાં. પગે પાવડીઓ પહેરી, કમરે ધોતીયા પર મૃગચર્મ બાંધ્યું. ઓઢેલા ધોતીયાની કોર પર ચપરાસીના પટા માફક ભગવા રંગની પટી ટાંકી; ગળામાં રુદ્રાક્ષની માળા ઘાલી. હથેલીઓ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ ઇત્યાદિ ચીતર્યાં, ગાલ પર કંકુની આડીઊભી લીટીઓ કહાડી ખાનાઓમાં એક ગાલે ‘શિવ’, ‘શિવ’ એ શબ્દો લખ્યા અને બીજે ગાલે ‘રામ’ ‘રામ’ એ શબ્દો લખ્યા. કપાળે સુખડની અર્ચા કરી અને એક છેડે ગણપતિનું ચિત્ર કહાડ્યું. બીજે છેડે સૂર્યનું ચિત્ર કહાડ્યું. એક હાથમાં ગૌમુખી લીધી. માળા ગળે પહેરી હતી તેથી ગૌમુખીમાં સોપારી તથા પૈસા મૂક્યા. બીજા હાથમાં (પરશુને ઠેકાણે) શંકરભાઈના ઘરની કુહાડી ઝાલી ખભા ઉપર ટેકવી. પાઘડીમાં તુળસીની ડાળીઓ ખોસી. શંકરભાઈની ઘાટી ચાકરને કોઈ ઠેકાણેથી ઢોલ લાવવા કહ્યું. તે ઢોલ લઈ આવ્યો. માળામાંના કેટલાંક બૈરા છોકરાં પણ તેમની પછાડી આવ્યાં. ઢોલ મારા હાથમાં આલવાને બદલે ઘાટીઓએ જ વગાડવા માંડ્યુ. શૂરના આવેશમાં ભદ્રંભદ્ર સાક્ષાત્ જામદગ્ન્ય પ્રગટ થયા હોય તેવા જણાવા લાગ્યા. મને કહ્યું, 'મેં આભરણો સહિત પ્રથમ કદી ભાષણ આપ્યું નથી. તેથી આ મંડળ સમક્ષ ભાષણ આપું તો અભ્યાસથી લાભ થાય. તું સભાપતિ થા.'

હું મારી મેળે મને સભાપતિ બનાવવાની દરખાસ્ત કરી એક કોઠી પર સૂંપડું નાખી બેઠો અને તાળીઓ પાડી કહ્યું:

'શ્રોતાજનો ! શાંત થાઓ. આ મહાપુરુષનું ભાષણ સાંભળો.'

ભદ્રંભદ્ર બોલ્યા, “જિજ્ઞાસુ સભ્યજનો, મારું પધારવું અત્રે શા અર્થે થયું છે તે તમને વિદિત થઈ ગયું હશે. આપણા સનાતન આર્યધર્મની છિન્નભિન્ન અવસ્થાએ સકળ સ્વદેશાભિમાની આર્યોને ઉત્સાહયુક્ત કર્યા છે. સુધારાવાળાઓના ઉપાયોએ આર્યોને મુખરિત કર્યા છે. શત્રુદળની અલ્પ સંખ્યાએ આર્યોને શૂરવીર કર્યા છે. સ્વદેશની દોષગણનાએ આર્યોને દોષરહિત કર્યા છે. પરદેશની વિવૃદ્ધિએ આર્યોને પરદેશ ગુણ-આગ્રહી કર્યા છે. ધર્મનિષ્ઠ આર્યો, ધર્મસુધારણા વિરુદ્ધ થયા છે. અધમ દિશામાં આવેલા ભારતવર્ષનું સ્વદેશાભિમાની આર્યો સુધારકોના ઉપાયોથી રક્ષણ કરી રહ્યા છે. આપણા આર્યદેશમાં હાલ એકે સુધારો કરવાની, એક પણ રૂઢિ બદલવાની, એક પણ નવો અંશ આણવાની અગત્ય છે, એમ કહેવું એ ઘોરતમ પાપ છે. અહા ! પૂર્ણ કળાએ પહોંચેલા આપણા આર્યદેશની કેવી દુર્દશા થઈ છે ! આપણો આર્યદેશ કેવો શ્રેષ્ઠ, કેવો અચલ ! આર્યજનો ! આવાં મહાન કાર્યો સાધવા આજ માધવબાગમાં સભા મળનાર છે. ત્યાં ભાગ લેવો એ સર્વનું કર્તવ્ય છે.”

એવામાં શ્રોતાજનોમાં પછાડી ગરબડ થવા લાગી. કેટલાક દાદર ઊતરી નાસવા લાગ્યા, કેટલાક રવેશમાં ભરાવા લાગ્યા. કેટલાક બારણા પાછળ સંતાવા લાગ્યા.