પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રશ્નોનો વિવાદ થવો જોઈએ. હું એક પ્રયોગ આપું તે જેનામાં પાણી હોય તે સિદ્ધ કરે.’

એક બીજા શાસ્ત્રીએ ઊભા થઈને કહ્યું,

’એવો ગર્વ કરવો ન જોઈએ. આ સભામાં ઘણા વિદ્વાન શાસ્ત્રી છે.’

પ્રથમ બોલનાર શાસ્ત્રીએ ઉત્તર દીધો, ’એવા મૂર્ખોને શાસ્ત્રીની પદવી ઘટતી નથી.’

પ્રમુખે બંને શાસ્ત્રીઓને બેસાડી દીધા. તરત બીજા પાંચ-છ વક્તાઓ ઊભા થઈ સાથે બોલવા લાગ્યા, દરેકના પક્ષકાર સામાને બેસાડી દેવા તાળીઓ પાડવા લાગ્યા. ’બેસી જાઓ’, ’ચલાઓ’, ’એક પછી એક’ એવી બૂમો પડી રહી. સભામાં ઘોંઘાટ થઈ રહ્યો. કંઈક શમ્યા પછી એક જણને બોલવા દીધો. તેણે હાથ લાંબા કરી કહ્યું.

’ગૃહસ્થો ! આવા સારા અને વખાણવા લાયક કામને મદદનીશ થવા એકઠા થયેલા તમો સહુની સામે મને ઊભેલો જોઈ હું પોતાને નસીબવાન ગણી અભિનંદન આપ્યા વિના મદદ કરી શકતો નથી. હું ન્યુઝપેપરનો અધિપતિ છું. તે હોદ્દાના રાખનાર તરીકે મેં ઘણી વાર સુધારાની હિલચાલ પર ટીકા કરેલી છે. તેમાં મેં બતાવી આપ્યું છે કે, જોકે સુધારાવાળાઓએ એક પથ્થર ફેરવવો બાકી રાખ્યો નથી, તોપણ હજુ લગી તેઓની ટીક્કી લાગી નથી. તે જ બતાવી આપે છે કે સુધારાની અગત્યતા સાબિત થયેલી બિના નથી. એ પણ એક સવાલ છે કે સુધારો ચહાવાલાયક છે ? આપણામાં લડવાનું ઐક્યત્વતાપણું હોય, આપણામાં સારાં સારાં બધાં કામની સામે થવાનો જુસ્સો હોય, આપણામાં અજ્ઞાન છતાં મહોટા લોકો તરફ તોછડાઈ હોય, આપણામાં લોકપ્રિયતા એકઠી કરવાની ખપતી હિકમત હોય, તો પછી ગાંભીર્ય વિચારની શી ખોટ છે ? વિદ્વાનતાની શી જરૂર છે ? સુધારાની શી માગવા લાયકાત છે ? કંઈક જ નહિ, અરે ! હું પગ ઠોકીને કહું છું કે કંઈ જ નહિ. વળી આપણો અનુક્રમ કઈ લીટીઓ પર કરવો, તે બાબત પારસીઓને અને ઇંગ્રેજોને શું કામ નાક મૂકવા દેવાં ?’ -

એવામાં એક ચકરી પઘડીવાળો ઊભો થઈ બોલ્યો, ’પણ લોકો અઘરણીની નાતો નથી કરતા તેનું કેમ ?’

પ્રમુખે તેને બેસાડી દઈ, ભાષણકર્તાને અગાડી ચલાવવા કહ્યું, તે બોલ્યા કે,

’આ સ્વદેશાભિમાની બંધુએ ઇશારો કર્યો છે, તેવા આપણા દેશના કલ્યાણના મહાભારત અગત્યના ધર્મ સંબંધી સવાલોમાં પરદેશજનનિવાસીઓ શી રીતે આરપાર જઈ શકે ? આપણાં કામ સમજવાને આપણે અશક્ય થતા જનાઈએ અને પરકીય મુલકના દેશીઓ પોતાનું કહેણ ચલાવવામાં, પોતાના રિવાજોને મજબૂત પગલું ભરાવવામાં ફતેહ પામે એ કેવો દાર્શનિક નાટક છે ? આજકાલના સુધારાવાળાઓએ આર્ય લોકોને અણગમતી વાતો કહેવાનું હામમાં લીધું છે. તેઓ કહે છે કે પાશ્ચાત્ય રિવાજો દાખલ કરવા લાયક ન હોય, તે શાસ્ત્રમાં કયાં પાર્લામેન્ટની હા કહી છે ? આ મોટી ભૂલમાં પડવા બરાબર છે. લોકોના વિચારોને અને રાજ ચલાવવાની પદ્ધતિને કશો સંબંધ ગણવો એ મહા ભૂલ પર ચાલી જવાથી બને છે. દેશની વૃદ્ધિ અગાડી