પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસરી રહ્યાં. સભામાં હર્ષનાદ ગાજી રહ્યો. સુધારાવાળાનાં મહોં ફીકાં પડી ગયાં. સર્વાનુમતે દરખાસ્ત મંજૂર થઈ. પછી સરકારમાં મોકલવાની અરજી વાંચવામાં આવી. તે અરજીને ટેકો આપવા શંભુ પુરાણીના ભાણેજ વલ્લભરામ ઊઠ્યા અને બોલ્યા :

’આજકાલ સુધારાને નામે પાષંડવાદ ચાલે છે. આપણા આર્યશાસ્ત્રમાં શું નથી કે પાશ્ચાત્ય સુધારો આણવાની અગત્ય હોય ! આપણાં શાસ્ત્રો જોયા વિના જ સુધારાવાળા એવા ખાલી બકબકાટ કરે છે. તેઓ પૂછે છે કે આગગાડી, તાર, સાંચાકામ, એવું ક્યાં આપણા શાસ્ત્રકારોને ખબર હતું ? આ કેવું મહોટું અજ્ઞાન છે ? યુરોપી ભાષાંતરકારો અને યુરોપી કોશલેખકોના અર્થ પ્રમાણે તો શાસ્ત્રોમાંથી એવી વાતો નહિ જડે. પણ તેમને શાસ્ત્રના રહસ્યની શી ખબર હોય ? એવું શું છે કે જે યોગ્ય અર્થ કરતાં શાસ્ત્રમાંથી ન જડે ? આપણા શાસ્ત્રકારોને ત્રિકાળનું જ્ઞાન હતું, માટે તેમના જાણવામાં કંઈ ન આવ્યું હોય, એમ હોય જ નહિ. શાસ્ત્રના ખરા અર્થ ન સમજતા સુધારાવાળા તેને વહેમ કહે છે. જુઓ. બ્રાહ્મણથી જનોઈ વિના બોલાય નહિ, એને એ લોકો વહેમ કહે છે. પણ શાસ્ત્ર કહે છે કે ગાયત્રીમંત્રના ધ્વનિથી જનોઈના તાંતણા ફૂલે છે અને તેમાં વિવિધ જાળાં બંધાય છે. તેથી તેમાં પ્રાણવાયુ રહી શકે છે. એ પ્રાણવાયુ શરીરની સ્વેદાદિ અશુદ્ધિને સૂકવી નાખી આવરણ બની આકાશમાં ભમતા ભૂતદેહોનો શરીરને સ્પર્શ થવા દેતો નથી. જનોઈ વિના શબ્દોચ્ચાર થાય તો તે ધ્વનિ પ્રાણવાયુનું આવરણ ખસેડી નાખે, ભૂતોને સ્પર્શ કરવાનો લાગ આપે અને તેઓ મનુષ્યનું ચિત્ત ભ્રમિત કરી નાખે. તો શું આ શાસ્ત્રાજ્ઞા વહેમ છે ? મોન્ટ ગુફર, સિક વગેરે યુરોપના જગતપ્રસિદ્ધ વિદ્વાનોએ આ વાત કબૂલ કરેલી છે. મેં હજારો વાર પ્રયોગ કરી એ અજમાયશથી સિદ્ધ કરેલું છે. સુધારાવાળા આપણા આર્યશાસ્ત્રોનાં આ રહસ્ય જાણતા નથી અને પાશ્ચાત્ય યાંત્રિક યુક્તિઓના મોહમાં ગૂંથાયા જાય છે. પાશ્ચાત્ય પદાર્થવિજ્ઞાન, યંત્રો, વીજળીના પ્રયોગ, એ સર્વ માયાની વિવૃદ્ધિ કરે છે, ભ્રાંતિને પુષ્ટિ આપે છે. બ્રહ્મજ્ઞાનથી વિમુખ કરે છે. આપણા શાસ્ત્રકારોએ આવું પદાર્થવિજ્ઞાન મેળવવા યોગ્ય ધાર્યું નહિ, એ જ સિદ્ધ કરે છે કે તેણે માયાની અવગણના કરી છે. ચૈતન્યને જ શ્રેષ્ઠ ગણ્યું છે. પાશ્ચાત્ય માયાવાદના મોહથી સુધારો થયો છે. પાશ્ચાત્ય અંશોથી આપણો આર્યદેશ આજ લગી અસ્પષ્ટ રહ્યો છે, તો હવે શું કામ તેથી આપણા દેશને દૂષિત કરવો ? પાશ્ચાત્ય સુધારાના અંશો શું કામ આપણા દેશમાં દાખલ કરવા ? હું રાજકીય સુધારા વિશે આ નથી કહેતો. પાશ્ચાત્ય રિવાજો આપણા શાસ્ત્રોને આધારે નથી. તે ઘણા જ અનિષ્ટ છે. આપણા દેશને એ રિવાજો અધમ કરશે, આપણા દેશમાંનું તો સર્વ શ્રેષ્ઠ જ. જે તેથી જુદું તે તો તેથી ઊતરતું જ, અધમ જ, એ દેખીતું છે, માટે સિદ્ધ થાય છે કે આપણે સુધારા કરવા ન જોઈએ. પાશ્ચાત્ય રાજ્યકર્તાને આપણા ગૃહસંસારમાં પાડી તેમના એશ દાખલ કરવા દેવા ન જોઈએ. માટે આ અરજી મોકલવાની આવશ્યકતા સિદ્ધ થાય છે.’

આ ભાષણકર્તાના બેસી ગયા પછી, એક શાસ્ત્રી મહારાજે ઊભા થઈ કહ્યું :

’આ સભાની વ્યવસ્થા ઘણી જ અનિયમિત રીતે ચાલે છે. પ્રથમ વ્યાકરણના