પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોળી મારી સાપ માર્યો. અમદાવાદમાં હાહાકાર થઇ રહ્યો. ન્યાતવાળાને મન જગતમાં હાહાકાર થઇ રહ્યો. હિંન્દુસ્તાનના શુભ કર્મનું ફળ પૂરું થઇ રહ્યું. અમદાવાદમાં ચોરાશીઓ બંધ થઇ, નાતો જમતી અટકી.નદીકિનારે સવારે ભૂખ્યા બ્રાહ્મણોની ભીડ વધવા લાગી. રાતે શહેરમાં ચોરીઓ થવા લાગી. કોળીઓને ખાતર પાડવામાં રોજગાર રહ્યો નહિ. ભદ્રંભદ્રની ન્યાત ઉપરાઉપરી મળવા લાગી. શું કરવું તેના વિચારમાં રાત નીકળી જાય, પણ કાંઇ નિશ્ચય સૂઝે નહિ. મગનને નાતબહાર મૂકવાનું સર્વ કોઇ કહેવા લાગ્યા. ભદ્રંભદ્રને હવે અમદાવાદ ગયા વિના ચાલે તેમ નથી.

આ ખબર સાંભળી પ્રસન્નમનશંકરે પણ અમને એ જ સલાહ આપી કે હવે તો ઝટ અમદાવાદ જવું. રાતની ગાડીમાં નીકળવાનું ઠર્યું. અમને હવે પેટમાં ભૂખ નહોતી, પણ પ્રસન્નમનશંકરને ખોટું ન લાગે માટે જેમ તેમ કરી દશ દશ લાડુ ખાઇ ઊઠી ગયા. મુંબાઇમાં ધારેલા બીજાં કામ પડતાં મૂકવાં પડ્યાં. શિંગોડાં અને ધૂમ્રપુરાણના નિર્ણય કરવાની યોજના એમ ને એમ રહી ગઇ. હજી મુંબાઇમાં સ્થળે સ્થળે ભાષણ આપવા અને દુષ્ટ સુધારાવાળાને સંપૂર્ણ રીતે પરાભૂત કરવાની ભદ્રંભદ્રની ઇચ્છા હતી, પણ માણસનું ધાર્યું કંઇ થતું નથી. રૂઢિપ્રશંસાની કૃતિ અધૂરી રાખવી પડી. એ કામમાં ભદ્રંભદ્ર એવા ગૂંથાઇ ગયા હતા, તેની ચર્ચા કરવામાં રાત-દિવસ એવા વ્યાપૃત રહેતા હતા કે વર્તમાનપત્રો પણ વાંચ્યાં નહોતાં. વાંચ્યા હોત તો અમદાવાદની ખબર કંઇ પડી હોત. ઘરથી બહાર પણ નીકળ્યા નહોતા. પણ હવે બીજા જ ઉધમમાં ગૂંથાવાને ચાલ્યા. એક વાર હરજીવનની ભાળ કહાડવાની અને તે ખરેખર લુચ્ચો જ હોય તો તેનું તરકટ બહાર પાડવાની ભદ્રંભદ્રને બહુ ઇચ્છા હતી. પણ હવે કશાનો વખત નહોતો. જેટલો વખત રહ્યો હતો તેટલામાં એક-બે શાસ્ત્રીઓને મળી તકરારી વિષય પરનાં શાસ્ત્રવચનો પૂછી લીધાં અને લખી લીધાં.

રાત્રે અમદાવાદ તરફ આગગાડીમાં બેસી ઊપડ્યા. ગાડી ઊપડી એટલે ભદ્રંભદ્ર બોલ્યા કે, 'અંબારામ, શી આ સંસારની વિચિત્રતા છે ! કેવી જયવંત આશાથી હું મોહમયીમાં આવ્યો હતો ! કેવી ખિન્ન વૃત્તિથી હું મોહમયીથી પાછો જાઉં છું ! મહાપુરુષો તો સંપત્તિમાં અને વિપત્તિમાં એકરૂપ રહે છે તથા હાલ હું પણ તે સમયની પેઠે હરું છું, ફરું છું અને માણસ જેવો દેખાઉ છું. સાધારણ મનુષ્યો તો વિપત્તિમાં કોણ જાણે કેવા થઇ જાય. પણ નિશ્ચય માનજે કે હું કર્તવ્ય ચૂકવાનો નથી. હું અચળ રહીશ. વિપત્તિથી ગભરાઇશ નહિ. યજમાન મરણ પામ્યા છતાં બ્રાહ્મણ મોદકની કે દક્ષિણાની આશા મૂકતો નથી. બિલાડીએ ઝાલ્યા છતાં ઉંદર જીવનની આશા મૂકતો નથી. સૂર્ય અસ્ત થયા છતાં ઘુવડ આનંદની આશા મૂકતો નથી. હું પણ દઢ રહીશ. હું આર્ય ધર્મનો પક્ષ નહિ છોડું. સનાતન ધર્મ હું સિદ્ધ કરીશ, વેદધર્મ હું પ્રતિપાદન કરીશ અને તે જોડે હું મારું હિત સાચવીશ. મારો પ્રભાવ જોઇ લેજે.'

ગાડીના ગડગડાટમાં ભદ્રંભદ્રના આ શબ્દ બ્રાહ્મણના લોભમાં અદૃશ્ય થતા જ્ઞાન પ્રમાણે લીન થવા લાગ્યા. ચિંતાતુર દશામાં ઊંઘ આવે તેમ નહોતું તેથી સૂઇ જવાને બદલે બેઠાં બેઠાં ઝોકાં ખાવામાં અમે રાત કહાડી.