પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વકીલ ! શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને તું મૂર્ખ, અજ્ઞાન, અભિમાની કહેવાની ધૃષ્ટતા કરી પૃથ્વી પર ટકી રહ્યો છે એ કલિયુગનું ચિહ્ન જાણ અસત્યતા વ્યાપારી,દુષ્ટ,દુરાચારી -'

વધારે વિશેષણો સાંભળવાની વાટ ન જોતાં વકીલે ભદ્રંભદ્રની ગળચી પકડી બીજે હાથે વાંસા પર પ્રહાર કર્યો. ભદ્રંભદ્ર ગભરાઇને નીચે પડી ગયા અને તેમના પગની આંટીથી વકીલ પણ વગર પ્રયત્ને ભૂમિ સમીપ પહોંચ્યા.ભદ્રંભદ્રે હાંફતાં હાંફતાં વકીલનો કાન ઝાલ્યો અને લાત મારવા માટે પગ પછાડવા માંડ્યા, બીજા લોકો આવી પહોંચ્યા એટલે હું હિંમત ધરીને બંનેને છૂટા પાડવા ગયો. ભદ્રંભદ્રની કેટલીક લાતો તથા વકીલના કેટલાક મુક્કા મેં ખાધા અને બીજાઓએ તે બંનેને છૂટા પાડ્યા. લોકો ઠપકો આપવા લાગ્યા કે આવી નજીવી બાબતમાં શું કામ લડી પડ્યા.

ભદ્રંભદ્ર કહે, 'હું આ વાતને નજીવી નથી ગણતો. તે બહુ અગત્યની છે. વળી વાદવિવાદમાં હું કોઇથી હઠું એ ભ્રાંતિ પણ દૂર કરવી જોઇએ. કેમ કે તે પર આર્યદેશની શ્રેષ્ઠતાનો આધાર રહેલો છે.'

કેટલાક લોકો ભદ્રંભદ્રને ખૂણે લઇ જઇ સમજાવવા લાગ્યા કે, 'એ તમારો વકીલ છે અને એની તમારે બહુ જ ગરજ પડશે. એ તમારું કામ બગાડશે. એની સાથે ગમે તેમ કરીને સમજૂત કરો.' બીજાઓ વકીલને સમજાવવા લાગ્યા કે, 'એ બહુ મોટા માણસ છે. એના વકીલ થવાની તમને આબરૂ છે. કામ પણ લાંબુ ચાલે તેમ છે.' એવામાં વકીલનો ગુમાસ્તો ભાડાની ગાડી દોડાવતો આવ્યો. એક્દમ ઊતરી તેણે વકીલના કાનમાં ચાર-પાંચ વાક્ય કહ્યાં. વકીલ સાહેબ એકદમ પ્રસન્ન થઇ કૂદ્યા. ભદ્રંભદ્ર સાથે હસીને હાથ હલાવ્યો અને 'પછી મળીશ'એવું કહીને ગુમાસ્તા સાથે ગાડીમાં બેસી ગાડી દોડાવીને ચાલ્યા ગયા.

વકીલે ભદ્રંભદ્ર સાથે હાથ હલાવ્યો એ વાત ઉતાવળમાં અને ભદ્રંભદ્રના આશ્ચર્ય તથા અજાણપણામાં થઇ ગઇ. વકીલની ગાડી અદ્રશ્ય થયા પછી પોતાનું પરાક્રમ જોવા એકઠા થયેલા મનુષ્યોને ભદ્રંભદ્રે કહ્યું, 'હાથ હલાવવાની અભિનંદનરીતિ આર્યોને કેવલ અયોગ્ય છે, વેદધર્મથી વિરુદ્ધ છે, સનાતન ધર્મના રહસ્યના અજ્ઞાનમાં તેનો સ્વીકાર થયો છે, આર્યરીતિએ નમસ્કાર કરતાં હસ્તપુટ આપણી નાસિકા અને સામા માણસની નાસિકા વચ્ચે ઘડી ઘડી ફેરવ્યાથી બંનેનું અદ્વિતીયત્વ પ્રસિધ્ધ થાય છે, તેમ જ બ્રહ્મમાંથી નીકળેલું જગત પોતે જ બ્રહ્મ છે એ સિદ્ધાંત પણ પ્રગટ થાય છે; કેમકે નમસ્કાર કરતી વેળા સર્વનો આશય એ જ હોય છે કે "જેમ મારી નાસિકામાંથી પશ્વાસાદિ નીકળે છે તે કાર્યકારણના અનાદિસિધ્ધ ઐક્યને લીધે જ નાસિકા જ છે, તેમ હુંરૂપી બ્રહ્મમાંથી નીકળેલો તું તે પણ બ્રહ્મ જ છે અને વળી તારી નાસિકામાંથી નીકળેલો પશ્વાસાદિ જેમ તારી નાસિક જ છે તેમ તુંરૂપી બ્રહ્મમાંથી નીકળેલો હું પણ બ્રહ્મ જ છું." આ રીતે નાસિકા, પશ્વાસાદિ, હું અને તું - ચારેનું બ્રહ્મત્વ પ્રગટ થાય છે. તેમ જ નમસ્કાર પણ બ્રહ્મ છે એ સિધ્ધ થાય છે, વળી નમસ્કાર થવા સારુ નમસ્કાર કરનારને પોતાને નમવું પડે છે; એ રીતે 'નમસ્કાર' શબ્દ જ વેદાંતજ્ઞાન દર્શાવવા સારુ ઉત્પન્ન થયો