પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પદ ૩ રાગ એજ.

અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી...
અંતસમે કોઈ કામ ન આવે, સગાં કુટુંબ સુત નારી રે. ટેક

જોબન ધનનું જોર જણાવે, ફાટી આંખે ફરતો;
કાળ કરાળ કઠણ શિર વેરી, દિલમાં કેમ નથી ડરતો રે. અજ્ઞાની ૧.

માલ ખજીના મંદિર મેલી, મૂઆ ભૂપ મદમાતા;
શ્વાન સૂકરના દેહ ધરીને, ઘર ઘર ગોથાં ખાતા રે. અજ્ઞાની ૨.

આજ અમૂલખ અવસર આવ્યો, હરિ ભજવાનું ટાણું;
દેવાનંદ કહે દેહ મનુષ્યનો, ન મળે ખરચ્યે નાણું રે. અજ્ઞાની ૩.




પદ ૪. રાગ એજ.

પામર તેં પ્રાણી વિસાર્યા વનમાળી... ○ટેક
મિથ્યા સુખ માયામાં મોહ્યો, મૃગતૃષ્ણાજળ ભાળી રે.

આઠે પહોર અંતરમાં બળિયો, ઘણા ઘણાને ધાયો;
રળી ખપી ધન ભેળું કીધું, ના ખરચ્યો ના ખાયો રે... પામર○ ૧

નારી આગળ નિર્લજ્જ થઈને, બીતો બીતો બોલે;
હડકલાવે હસી બોલાવે, કરે તરણને તોલે રે... પામર○ ૨