પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દીન દયાળુ ગુરુ દેવ

પદ - ૧


દીન દયાળુ ગુરુ દેવ દામોદર, કૃપાનિધિ કૃષ્ણ કહાવે;
 કરુણા દૃષ્ટિ કરી જનને જુવે હરિ, દાસના દોષ હરિ હૈયે ન લાવે —દીન૦ ૧

 કોટિ અપરાધ તે જનના કાપવા, આપવા આનંદ હરિ હૈયે હીસે;
 કૈક કંગાલને તારવા નાથજી, આજ મહારાજની મરજી દીસે—દીન૦ ૨

 અખિલ બ્રહ્માંડના અધમ ઉદ્ધારવા, પૂરણ પરબ્રહ્મે પણ લીધું;
 પતિત એકે કોયે નરકમાં નવ પળે, આજ અલબેલડે એમ કીધું—દીન૦ ૩

 મન કર્મ વચને સત્ય કરી માનજો, અસત્ય મિથ્યા અમે શીદ ભાખ્યું;
 નિષ્કુળાનંદ હરિ નિત્ય ઊઠી ચિંતવે, આવે અધમ કોયે શરણ રાખ્યું—દીન૦ ૪

પદ - ૨


ટેવ પડી તમને અધમ ઉદ્ધારવા, એહ વિના બીજું કાંઈ ન સૂઝે;
 અખંડ અવતાર તે અધમ ઉદ્ધારવા, એહ મર્મને કોઈ સંત બૂઝે—ટેવ૦ ૧

 નરતનુ ધારી એવું ના’વડે નાથજી, કોઈ જીવનું અકાજ કરતા;
 ભાવે કભાવે કોઈ તમને ચિંતવે, તેહનાં પાપ તમે તર્ત હરતા—ટેવ૦ ૨

 જેમ રવિના ઘરમાં રજની નવ મળે, તો આરાધ્યે અંધારું ક્યાંથી આપે;
 જાણે અજાણે જેમ અમૃતપાનથી, જનમ મરણ અંગે નવ વ્યાપે—ટેવ૦ ૩

 પોતાના ગુણ તે કોઈ નવ પરહરે, જેહમાં જેહવો ગુણ રહ્યો;
 નિષ્કુળાનંદ નર તન ધરી નાથજી, અધમ ઉદ્ધારણ એવો ગુણ ગ્રહ્યો—ટેવ૦ ૪

પદ - ૩