પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પતિત પાવન પ્રભુ બિરુદ સુણી સદા, માહેરું મન તે ધીરજ પામ્યું;
 કોટિ અપરાધ તે ક્ષમા કરો ક્ષણમાં જે જને આવીને શીશ નામ્યું

 જયંત જેવો કોઈ પાપી નવ પેખીયે, સીતાચરણે ચંચુપ્રહાર કીધી;
 અપરાધ એવો કરી લોક ચૌદ આવ્યો ફરી, દયા કરી તેને દિવ્ય દૃષ્ટિ દીધી.

 અધમ આપે અહલ્યા શલ્યા આપે થઈ, ગૌતમ ગૃહિણી જગ જાણે;
 તમારા પદરજથી સદ્ય શ્રાપ ટળી, મળ્યો દેવ દેહ તેહ ટાણે.

 એવા અધમ તો અનેક ઉદ્ધારિયા, તારિયા ભવજળ જશ લીધા;
 નિષ્કુળાનંદે એવા બિરુદને જોઈને, સદા મુદા જો મનમાંહિ કીધો.

પદ - ૪


આજ મહારાજ મળી જોડ જોયા સરખી, હું રે પતિતપાવન તમે;
 તમે ગુણવંત ગુણના ભંડાર છો, તો અનેક અવગુણે પૂરણ અમે.

 તમે દયાળુ કૃપાળ અકળ છો, તો મારી દુષ્ટતાને કોણ કળશે;
 અધમ ઉદ્ધાર તમે નામ કાવો નાથજી, તો અધમ મુજ નામે આંક વળશે.

 તમે નિષ્કલંક નિર્વિકારી નાથજી, તો કલંક વિકાર મુમાં કોટિ કાવે
 જો તમારી ભલાઈનો પાર નથી આવતો, તો મારી ભૂંડાઈનો અંત નાવે.

 પોતે પોતાને ગુણે સહુ પૂરણ છે, જે કોઈમાં જેવો ગુણ રહ્યો;
 નિષ્કુળાનંદના અવગુણ અપાર છે, તેમ તમારો ગુણ કેમ જાયે કહ્યો.