પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બોલે છે મોર


બોલે છે મોર, બાલા ! બોલે છે મોર ;
કોને કોને બારણે બોલે છે મોર ? બોલે છે૦
ચમકંતી વીજ, છાયું બાદલ ઘનઘોર ;
કોને કોને બારણે બોલે છે મોર ? બોલે છે૦

થનગન નાચે ને ટિહૂ ટિહૂ ટહૂકે;
ટહૂકડે દિગંત ભરે આઠે ય પ્હોર;
કોને કોને બારણે બોલે છે મોર ? બોલે છે૦

ગર્જંતો મેઘ, મીઠાં વર્ષંતાં અમૃત;
સૃષ્ટિ એ વૃષ્ટિમાં કરતી અંઘોળ;
આજ કોને બારણે બોલે છે મોર? બોલે છે૦

બોલે છે મોર, વ્હાલા ! બોલે છે મોર ;
નંદજીને પારણે બોલે છે. મોર બોલે છે૦

નયણે સૂરજ, મુખડે ચંદ્ર ચકોર;
બ્રહ્માંડનો નાથ ઝૂલે નવલ-કિશોર;
આંગણે આંગણે એનો કલશોર. બોલે છે૦