પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સમ્ભારણાં



કેવડિયે ગૂંથી છાબડી રે,
છાબડિયે છલકતાં ફૂલ રે, માળીડા!
એક જ ફૂલનું માગણું રે :

પિયુ વસ્યા પરદેશમાં રે,
વ્હાલમને વ્હાલાં બકુલ રે,
સ્નેહલ દે સમ્ભારણું રે.



માણેકઠારીને માંડવે રે,
અમૃતના વરસાદ રે, ચાંદલિયા!
એક જ બિન્દુનું માગણું રે

પિયુ વસ્યા પરદેશમાં રે,
અધર સુધાને પ્રસાદરે ચાંદલિયા !
સ્નેહલ દે સમ્ભારણું રે.



કોકિલા વસન્ત કુંજમાં રે,
પૂરતી પંચમ સૂર રે ઋતુરાણી!
એક જ ગીતનું માંગણું રે:

પિયુ વસ્યા પરદેશમાં રે,
સંગીત એનાં મધુર રે ઋતુરાણી!
સ્નેહલ દે સમ્ભારણું રે.