પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સ્વયંવર-સોહાગણ

આવશો મા, જી રે! આવશો મા,
ગૌરી-ગંગાના વ્હેણ આડે આવશો મા.
વ્હેતાં વેગીલા પૂર ઉલેચાવશો મા
ગૌરી-ગંગાના વ્હેણ આડે આવશો મા.

ઉગ્યો અમૃત પુર આશાનો ચન્દ્રમા
પઢ્યું ઉર પ્રતિબિમ્બ કો ભૂંસાવશો મા. ગૌરી૦

હૈયાને હોજ રોજ રમતેલો હંસલો
એની વાટે કંટક કોઈ વાવશો મા. ગૌરી૦

સૌન્દર્યે અન્ધ, સ્થૂલ સ્નેહના શિકારી
કનક, રૂઢિના ચાપે ચઢાવશો ના. ગૌરી૦

રાચું ના રંચ કાચી કાયાના પૂતળે,
કાચ-કંચન શો મેળ મઢ્યે ફાવશે મા. ગૌરી૦

આવશો મા, લોક! આવશો મા,
નેહ નૌકાની વ્હારે આવશો મા.
સ્વયં શોધ્યો સૂકાની, સતાવશો મા!
સ્નેહગંગાના વ્હેણ આડે આવશો મા.