પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અંક ૧ લો.

પ્રવેશ ૧ લો.

(સ્થળ – રસોડું)

શિવ૦ – સાંભળોછ કે ? મેકું સાંભળોછ કે ?

ભોળા૦- (આગલી પડસાળમાંથી લ્હેંકો કરી) ના-આ-અં-

શિવ૦ – રાંડની પેઠે ચાળા કરતાંજ આવડેછ.

ભોળા૦- ત્યારે રાંડ તું. મ્હેં તો ત્હારા ચાળા પાડ્યા.

શિવ૦ – બક્યા ! હું રાંડ કહારે કહેવાઊં વારૂ?

ભોળા૦- ત્હારો બાપ મરે ત્યારે.

શિવ૦ – (ચ્હીડવાઈને,) ખબડદાર ! બાપ લાગી ન જતા. જુઓ ! નોકરી ચાકરી કરવી નહિ ને –

ભોળા૦- રાંડ, મ્હેં તો બહુએ સાહેબી કીધીછ.

શિવ૦ – કીધી ! ત્રણ દહાડા તો કોઈ ઠેકાણે ટાંટીયો ટક્યો નહિ ! અંગ્રેજીનું ઉકાળ્યુંછ તોએ કોઈ હવે રૂપિયાની નોકરી ઠોકેછ ?

ભોળા૦- છટ ! ભોળાભટ શું ગુલામગીરી કરશે ? કદી નહિ.

શિવ૦ – પતરાજ ન કરો. આમ લોકોની થોડી ખુશામત કરવી પડેછ!

ભોળા૦- આહા ! એ તો લોકોને હસાવી રમાડીને પૈસા કહાડી લઊંછ.

શિવ૦ – એજ આવડેછ તો. જે મળ્યું તેની સાથે મજાક ઠઠ્ઠાની વાત ! નહિ જોવો મહેતો કે નહિ જોવો મહેતર, કે નહિ જોવી બહેન કે નહિ જોવી વહુ ! છોકરાંઓ સાથે પણ ધીંગામસ્તી !

ભોળા૦- જન્મીને શું લઈ જવુંછ? આનંદમાં રહ્યા ને બીજાને બે ઘડી રાખ્યા તે ખરૂં.

શિવ૦ – ને બૈરાં છોકરાં મુઆં તો ધુળ લાખી.

ભોળા૦- છાનીરહે, ભજન સાંભળ. હું તો પ્રભાતિયાં ગાઉંછું.

(ગાય છે.)

પરભાતના પ્હોરમાં, ઊઠવું આળસ તજી,
કદી ન બે પ્હોર દેવાજ થાવા;
ઉઠીને ચોટલી, ઝપટ છટકારીને,
તાણી સીંગોડું સટ, બેસવું ખાવા.
કામિની કકળી રહી, ત્યાં શી સંધ્યા પૂજા,
નીકર ધંધા બીજા શા છે ભટને?
ભાંગને ભસ્મ ભાવે ધરી ભીખવું,
ભીખી ભીખાડવું જગત જડને.

રંડા, - આ ગામમાં ત્હારા જેવું તો બીજા કોઈને ખાવા પીવાનું સુખ નહિ હોય.