પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિવ૦ – ને વખતે કડાકા કરવાનુંએ કોઈને નહિ હોય. મળ્યા તો મીર નહિ તો ફકીર, એજ સુખ તમારે ઘેર કની ?

ભોળા૦- ગાંડી, સુખ દુઃખતો મનનું કારણ છે. મ્હારા જેવો કોઈ સવાદીઓ નથી, પણ વખત પડે ત્રણ દહાડાનો લુખો રોટલોએ ચાલે.

શિવ૦ – ને તે એ ન મળે તો રઝળતા મુકી કીધું પરદેશમાં કાળું. વરસમાં છ મહીના તો બારણે રખડવું

ભોળા૦- કુંભારજા, બહુ બેહેકી કે? પૂજા કરૂં ?

શિવ૦ – વારૂં હવે તેલ આપવું છે કે નહિ ? હા કે ના કહો. સાંભળોછકે ?

ભોળા૦- ના. એકવાર ના કહી કે હું નથી સાંભળતો.

શિવ૦ – ત્યારે બોલે છે કોણ ? બાળ્યો એ વઘાર કરવો, ને મુઈ હું ! (કડછી અફાડે છે).

ભોળા૦- બોલછ કોણ ? હું નહિ તો તારો બાપ બોલેછ ?

શિવ૦ – મુઆં મ્હારાં માબાપ ! મ્હને આવા વરને દીધી તે કરતાં પીપળાને કાં ન દીધી ?

ભોળા૦- તારી માએ તને જણતી વખતે ટુંપો કાં ન દીધો કે મ્હારે કર્મે આવી કુભારજા ચોંટી.

શિવ૦ – તમારા ધનભાએગ કે મ્હારા જેવી કન્યા મળી; બાકી કાગડાની કોટે દહીંથરૂં ક્હાંથી? તમારે તો રોજ રાંડ વિધાત્રીને સ્હો સ્હો વખત દંડવત કરવા જોઈએ કે આ કાળા કપાળમાં મને લખી. વિધાત્રી અજુગતું કીધું, એની તો તમારાથી પણ ના નહિ કહેવાય.

ભોળા૦- ના , હું પણ રાંડ વિધાત્રી અજુગતું કીધું તેમાં રોજ તેને ગાળો દઊંછું.

શિવ૦ – હું તે કેવી છઊં? મ્હારા જેવી કોઈ બીજી બૈરી તો બાતાવ. સાંજ સવાર તું પગ ધોઈને પીએ તોપણ એવી બીજી કોણ ત્હારે ત્હાં રહે?


(ગરબી.)
મ્હારા જેવી રે બૈયર ફુટડી રે, જે પામે તેનાં ધન ભાગ્ય; મ્હારા૦ ૧
તારા જેવા તો કાળા ભૂતડારે. નહિ જોગ ધોઈ પીવા પાગ; મ્હારા૦ ૨
મ્હારી એક પલક પાંચ શેંહનીરે, જારી હસ્યાના હેંસી હજાર; મ્હારા૦ ૩
મ્હારા બોલ તો બબ્બે લાખનારે, મુલ બીજાનું અપરમપાર; મ્હારા૦ ૪
મ્હારૂં રૂપ દેખીને ભૂખ ભાગતીરે, પછી ગુણ તણી શી દરકાર? મ્હારા૦ ૫
રહું મ્હેર કરીને ત્હારે ઘેર હૂંરે, બાકી જોગ હું રાજદરબાર; મ્હારા૦ ૬
અલ્યા પાડ નથી તું કેમ માનતોરે, લઈ નિત્ય ચંદન ફુલહાર? મ્હારા૦ ૭
કાર સાંજસવારે મધ રાત્રિયેરે, પૂજા મ્હારી માની ઉપકાર; મ્હારા૦ ૮

ભોળા૦- કેમ તને ધોઊં ? પૂજા કરૂં ?