પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિવ૦ – કીધી કીધી ! ઘરમાંખાવાને સ્હૂકો રોટલોએ મળે નહિ, ને બકરકુદી સ્હુજે છ. ભૂખે ભુખેતો મ્હારા પેટમાં કોયલી પડી ગઈ છે.

ભોળા૦- સારૂં, તેથી તો ત્હારો સ્વર કોયલ જેવો થયો છ.

શિવ૦ – સુવાને ફાટી તળાઈ પણ ન મળે.

ભોળા૦- સવારે ઉઠવાનું મન વ્હેલું થશે.

શિવ૦ – અફીણનાં તારમાં ઘરની તો કાળજીજ નહિ.

ભોળા૦- એતો ભાગ્યશાળી રાવણ રાણાનાં કામછે.

શિવ૦ – પીટયા, કોઈ દહાડો દુનીઆમાંથી નીકળી જવાનો છે. જો ત્હારી મોહોકણ આ સીસા પડ્યાછે તે.

ભોળા૦- રાંડ, આજકાલ એમાં તો સુધારો આવી રહ્યો છ.

શિવ૦ – પણ મ્હારા પોર્યાનું સ્હૂં કર્યું તે કહેની અફીણિયા.

ભોળા૦- તારી મરજીમાં આવે તેમ કરની.

શિવ૦ – બચારાં બાઊં બાઊં કરીને રડયાં કરેરે.

ભોળા૦- માર બે ચાર તમાચા. ચૌદમું રતન વિના પોર્યાં રડતાં રહેજ નહિ.

શિવ૦ – પીટ્યા અફીણિયા, ત્હારે તો બધે હસવાનીજ વાત છે.

ભોળા૦- સમાલજે હો, તું મ્હારો સ્વભાવતો જાણે છે.

શિવ૦ – જાજા, ત્હારા જેવા બહુ જોયાછ. ત્હારા મારથી હું બ્હીતી નથી તો, છાકટા.

ભોળા૦- મ્હારી ગુલેબંકાવલી ! ત્હારા ગુલાબ જેવા ગાલ પર મ્હારા હાથ લોભાય છે હો.

શિવ૦ – અરે જાની બાયલા, અડકતો ખરો મને, છાકટા, ત્હારામાં દમ હોયતો. પીટયો અફીણિયો.

ભોળા૦- રંડા, લે? ત્યારે, લે? (મારે છે.)

શિવ૦ – મારેછ રે ! મારેછ રે ! મારેછ રે !

(વસનજી દેશાઈ આવે છે.)

વસ૦- સ્હું છે ? સ્હું છે રે ? આ તે સ્હારૂં કે ભટ ? દુબળાની પેઠે મારામારી કીધામાં સ્હોભા છે?

શિવ૦ – દેસ્હાઈ, મ્હારે માર ખાવાનું મન છે, પછી?

વસ૦ – ઓ ? ભટાણી, ત્યારે તો મ્હારી તરફના બે વધારે.

શિવ૦ – બે નાં ચાર દેસ્હાણને મારોની જઈને. અમારા ઘરની તમારે સ્હી પંચાત?

વસ૦ – કાંઈ નહિ બાઈ મને જવા દે એટલે થિયું.

શિવ૦ – આ દોઢ ડાહ્યો જોયો કે ? પોતાના મનખને મારે તેમાં ના કહે છે.