પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભોળા૦-તમે તો વેશ કરોછો. મારી પાસે ગોળીજ નથી તો આપું ક્યાંથી ? સેઠ બેસો. હું તો જાઉંછું (જવા માંડે છે.)

નથ્થુ૦-(ભોળાભટનો હાથ પકડી બેસાડે છે.) બેસો, બેસો, વૈદરાજ, ગોળી કહાડો.

ભોળા૦-(કોથળી છોડીને) આ ત્રણ ગોળી એકવાર ખવડાવવાની. હું આવું એટલીવારમાં કલાક કલાકને આંતરે ત્રણવાર ત્રણ ત્રણ ગોળી ખવડાવવી - એટલે તમારે ત્રણત્રી નવ ગોળી જોઈશું, પણ એકી ગોળી આપવાની શાસ્ત્રમાં ના કહીછ, માટે દશ આપું છું. (મનમાં) પચાશનો મેળ કરૂની. (મોટેથી) દશના પચાશ રૂપિયા લાવો. એટલી ગોળી ખાધા પછી જો એ બોલે નહિ, તો મને કહેજો. એન કંઈ થાય તો, સેઠ, મ્હારે એની જગોપર સુવું. એ ગોળી વાઘનું બચ્ચું છે ! જ્યાં મુકિયે ત્યાંથી પાર કરીને આવે. સાલુંસોનું રૂપું પડ્યું તે તેઓ ગુણ ભજવ્યા વગર કેમ રહે?

ઝુમ૦-શેઠ, હમણાં તમે રૂપૈયાં આલો પછી હું આલ્યો.

નથ્થુ૦-લો મહારાજ. અમે તમારે ભરોસે છઈએ હો.

ભોળા૦-(રૂપિયા તંબાકુની કોથળીમાં ભરતાં ભરતાં) સેઠ, તમારે લેશમાત્ર ચિંતા રાખવી નહિ. 'અશ્વનિકુમાર ત્હારું ઓસડ' એમ કહીને ગોળી ખવડાવોની પછી જુઓ શું બનેછ.

ઝુમ૦-વૈદરાજ, ગોળી પોંણી સાથે ખવડાવવી?

ભોળા૦-ના, ના. સો પાન મંગાવજો. કેવા પાન જો, કેવડા જેવા પાકાં.

નથ્થુ૦-પાન તો અમે સુરતથી અમે લગન સારૂં પાંચ હજાર લાવ્યા છઈએ.

ભોળા૦-ઠીક છે, બાકી અહિંયા પણ મ્હારું નામ દો, તો નઠારો માલ કોઈ આપે નહી- જાણે કે એના ઓસડમાં નઠારૂં નહિ નીભે. એ પાનના રસમાં ગોળી ખવડાવવી.

નથ્થુ૦-કંઈ ખાધા પીધાનું.

ભોળા૦-લુખી બાજરીની ખાખરી, ને મેથીની ભાજી. જો કરીમાં કસર રાખી, તો બધા પૈસા છુટી પડશે, અને એ બાઈ ઝાંહે જશે - ઝાંહે જશે! હું આગળથી કહું છું અમારી માત્રા કંઈ બીજાના જેવી નહિ, એતો વાઘનાં બચ્ચાં ! ધાર્યું કામ ટપ કરે, પન જો વીફરે તો જીવ લીધા વગર પણ રહે નહિ. (મનમાં) નાઠાબારી હમેશાં રાખવી જો. (મોટેથી) હું શું કહું છું તે યાદ રાખજો હો.(જાય છે.)

નથ્થુ૦-એ વૈડની હોંશિયારીને વિડ્યામા તો કંઈ કસર નથી, પણ લગાર જાતે સ્હાડાતન ડેખું.

ભોળા૦-(જતો જતો સાંભળીને મનમાં) સ્હાડાત્રણ થઈને કામ કહાડી લેવું એજ ખેલ છે તો.

-૦-