પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રવેશ ૨ જો (સ્થળ - રસ્તો.)

આનંદ- (ચ્હીડવાએલો હાથ અફાળતો.) ધીક્કાર છે આ દુનિયાને કે જેનો પરમેશ્વર એક ફક્ત પૈસોજ છે. પૈસાને સૌ પૂજે અને સાચાને લાત મારે છે. પૈસો પરમેશ્વર છે એમાં મ્હેં શું ખોટું કહ્યું? એનેજ જગતે લક્ષ્મીદેવી ઠેરવી છે? ધિક્કાર છે જગતની બુધ્ધિને! હું કદી તને દેવી કહેનાર નથી ધિક્કાર છે લક્ષ્મીને! ધિક્કાર!

(કાવ્યછંદ લાવણીની રાહે.)

અરે! લક્ષ્મિ! ધિક્કાર! ધિક્ ! રાક્ષસી દુઃખકરણી!
તને દેવી કહેનાર કોણ મૂરખ ઉચરની!
અગણિત પાપો, માત! રમે તું તેને રમાડી!
ખૂન, કતલ, લુટફાટ, ચોરિ, જારી છળ, ચાડી.
છહર, મૂર્ખઇ, પતરાજ, મનસ્વી નિર્દય ચાળા,
ગર્વ, ધર્મ, નીતિતાજ :- બાળ કાળાં વિકરાળાં!
હોય સમીપ કે દૂર ઊર દુર્મતિ ઉપજાવે
પુનઃ સમૂદર પૂર સૂર કોણ નાંખી આવે
(તું) સતી સ્વૈરિણી કરે, કરે નિર્મળને ખળ તું,
ટેક ટેકિના હરે-ખરે નિપજી નીચ કૂળ તું!
નીચ કૂળનિ ઓ નાર! નીચસું યારી ત્‍હારે!
ગુણિ પંડિતપર ખાર-કેમકે તે ઊંચા રે.
મનાઇ મ્હોટા ઝટ શૂર, જ્ઞાની, સાધુથી
કાયર મુરખા શઠ:- પૂજાયે તે તો તૂંથી.
કિધ ભાટ, કવિ ભટ્ટ: ભિખારૂ, બ્રાહ્મણ સાધૂ;
સમ સ્વારથ, ઘરવટ્ટ; પ્રીતિ, તનધનનું સાટું;
અસત્ય તે, વિવેક; પુજન તે, વૈત્રું પરનું-
તુંથી તોબા છેક! કિધું રણ વન મનહરનું!
ધિઃક! દધિજા! ધિઃક ડૂબીજા પાછી!
વિષ્ણુવલ્લભા ધિઃક! ચૌદમાં વિખ તું સાચી!
નીચ કુળમાં પણ નીચ! ચંચળા! ત્‍હેં કુળ લજવ્યું!

(ખરી) માયા પતિની સ્ત્રીજ! ઠગી ઠિક નાટક ભજવ્યું!

બકે શું વળ્યું? (આસપાસ જોઇને) અહીંયા બેસું કે વૈદ જે તરફથી આવે તે જણાય અરે! પણ મ્હારે તો ઘડીએ ઘૂંટ ભરાય છે? આજનો સુરજ આથમ્યો કે મ્હારૂં નશીબ આથમ્યું ! અરે ! ભગવાન ! આ શો જુલમ? સૌ પૈસાનુંજ સગું. મ્હારી દાદ કોઇ સાંભળતું નથી. શાબાસ, શાબાસ, ચંદા તને. તું એકલી ભરદરીએ મને વળગી રહીછે. પણ તેના વિકરાળ મોજામાંથી શી રીતે છોડાઉં? મથીમથીને થાક્યો! અરે! હું શું કરૂં? શું કરૂં.