પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાગ જોગી.

શુંરે કરૂં ને હુંક્યાં હવે જાઉં, જ્યાં જાઉં ત્યાં હું હારજ ખાઉં;
સાચો છતાં હું જુઠાથી જિતાઉં, હરિ હું અતિશય મનમાં મુઝાઉં,
હાય! બિચારી મારી રાંકડી ગાય, ખાટકી હાટે આજ વેચાય;
ચિતડું તેનું તો ચિરાઈ જાય! હાય! હુંથી કંઈ સ્‍હાય ન થાય!
કોટિ પ્રયત્ને ન કાંઇ વળેરે, યુક્તિ પ્રયુક્તિ ન એકે ફળેરે;
દુષ્ટ દગાને ફતેહજ મળેરે, દુનિયા દગામાં સઘળી ભળેરે.
જગત છે જુધ્ધ જુઠાને સાચાનું, જેમાં જણાયજ જોર જુઠાનું,
શુંરે આમ હંમેશ થવાનુ? ઇશ્વર તારું શું રાજ કહેવાનું?
મુરખ મનુષ હું બકું છું પીડાતો, પુરષ પ્રયત્નની મૂકીરે વાતો;

દીન દયાળુ રખે તું રિસાતો, જિતું છું જઇ કે મરૂંછું કાંતો.

ભોળાo - (મનમાં બોલતો આવે છે) બચ્ચા, આ ધંધો તો બહુજ સારો છે. હવે તો આપણે એજ કરવાના. બધા વૈદને કેટલું આવડેછ તે તો હું જાણું છું; ઢોંગ કરતાં આવડ્યો જોઇએ.

આનંદo - વૈદરાજ, તમારીજ હું ક્યારનો વાટ જોયા કરૂંછ. એક તમારૂં કામ પડ્યુંછ તે જો કૃપા કરીને –

ભોળાo - મ્હારૂં કામ પડ્યુંછ? (હાથ ખેંચીને નાડ પકડે છે) કેવી નાડ ચાલે છે. ભાઇ તું આવે શરીરે બહાર કેમ નિકળ્યો. રોગ ભરપુર ફેલી ગયોછ.

આનંદo- મહારાજ, તમે ઊંધું સમજ્યા. હું કંઈ માંદો નથી.

ભોળાo - શું ! તું માંદો નથી? તું મ્હારા કરતાં વધારે સમજેછ કે? હું એવો છું, કે માણસ જાતે નહિ જાણે કે હું માંદો છું, પણ હું જાણું તો.

આનંદo - તમારે જ્યારે રોગીજ ઠેરવવો છે તો ઠીક, પણ તેનું ઓસડ તો તમે જ્યાંથી આવોછો તેજ કમળમુખી છે.

ભોળાo - કેમરે કમ્બખત? તું મને ભાખુ બાખુ જાણેછ કે શું?

આનંદo - વૈદરાજ, કૃપા કરીને બુમ નહિ પાડો.

ભોળાo - તારા મનમાં તું મને શું જાણેછ? બુમ તો એવી પાડવાનો, કે આખું ગામ સાંભળશે.

આનંદo- મહારાજ, ધીમે બોલો, ધીમે બોલો.

ભોળાo - વૈદને તું ભાખુ જેવો ગણેછ? હમણાં તો તને બતાવી આપુંછું કે તું કોણ, કમ્બખત. સ્‍હસ્‍હરા હરામખોર, - (આણંદલાલ રૂપિયા આપે છે) મહેરબાન, હું તમને નથી કહેતો, પણ દુનિયામાં કેટલાએક એવા માણસ હોય છે, કે બીજાની આબરૂનો વિચારજ કરતા નથી.

આનંદo- મહારાજ, મ્હેં કંઇ અપરાધ કીધો હોય તો ક્ષમા કરો.

ભોળાo - નારે સાહેબ, કંઇ નહિ, કંઇ નહિ. અપરાધ કેવો? વારૂ, સેઠ, સો હુકમ છે?