પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
બીરબલ વિનોદ.

વાર્તા ૪૯.

ટાઢ કેટલી?

શરદઋતુમાં એક દિવસે ઘણીજ ટાઢ પડી. સ્હવારમાં બીરબલ બાદશાહ પાસે હાઝર થયો, પણ બાદશાહને વધારે સરદી લાગતી હોવાથી તેણે પૂછ્યું “બીરબલ ! ટાઢ કેટલી છે?”

બીરબલ બોલ્યો “હુઝૂર ! બે મુઠ્ઠી બરાબર.” બાદશાહે પૂછ્યું “બે મુઠી કેવી રીતે ?” ત્યારે બીરબલે મહેલની સ્હામે સડક ઉપર મુઠીઓ વાળી બંગલામાં દબાવીને જતા એક ગામડીયાને દેખાડી કહ્યું “ જુઓ, નામદાર ! બે મૂઠી બરાબર સર્‌દી છે કે નહીં?! ”

બાદશાહે તે વાત માન્ય રાખી અને બીરબલના બહુજ વખાણ કર્યા.

વાર્તા ૫૦.

પાદ અને દસ્ત.

એક દિવસે બાદશાહે કહ્યું “બીરબલ ! તમારી હીંદી ભાષા તો તદ્દન જ ગંદી છે. પગ જેવા માનવ શરીરના ઉત્તમ અંગને કે જેના વડે તીર્થાટન કરી શકાય છે, પાદ કહેવામાં આવે છે ! ?” બીરબલ ઝટ બોલી ઉઠ્યો “જહાંપનાહ ! આપની ફારસી ભાષાનું પણ એમજ છે. સર્વ માનવ અંગોમાં સરતાજ એવા હાથને ફારસી ભાષામાં દસ્ત (મળ) કહેવામાં આવે છે !!”

આ ઉતર સાંભળી બાદશાહ પોતાના હાસ્યને અટકાવી ન શક્યો.