પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૩


બીરબલના મૃત્યુ સમાચાર,

શુભ સમાચાર પહોંચે અથવા પહોંચવામાં વિલંબ થઈ જાય, કાંતો મનુષ્ય પોતાની કૃપણતાને કારણે એને છુપાવે છે, પરંતુ અશુભ સમાચાર તીરની પેઠે સીધાજ પહોંચે છે, લોકો તેને પહોંચાડવામાં ઘણાજ ઉદાર બની જાય છે. જે માણસો બીરબલ સાથે મળતા હતા, તેમજ જે તેના પ્રત્યે પ્રેમ ભાવ રાખતા તેઓ બીરબલના મૃત્યુ સમાચાર બાદશાહને સંભળાવતાં અચકાતા હતા, પરંતુ બીરબલના ઉત્કર્ષથી જેઓ નાખુશ હતા અથવા તેથી જેમને કોઈપણ પ્રકારનું કષ્ટ થયું હતું, તેમણે બે ધડક એ સમાચાર બાદશાહને પહોંચાડ્યા.

જ્યારે બાદશાહે બીરબલના મૃત્યુના હૃદયવિદારક સમાચાર સાંભળ્યા, ત્યારે તે અવાક બની ગયા, જાણે તેનામાં હાલવા ચાલવાની ગતિ રહી જ ન હોય તેમ પાષાણની પ્રતિમા સમાન સ્તબ્ધ બની ગયો. તેણે ખાવા પીવાનો પણ ત્યાગ કરી દીધો, બે દિવસ સુધી એક ખૂણામાંજ બેસી રહ્યો, તેની પાસે કોઈ જઈ શકતું પણ નહીં તેમજ તે કોઇનાથી વાત સરખી પણ કરતો નહીં. ત્રીજે દિવસે બાદશાહની માતાએ આવી તેને સંસારની અનિત્યતાનું ભાન કરાવ્યું અને બીજી પણ ઘણી રીતે સમજાવ્યું તેમજ અમીર ઉમરાવોએ પણ બહુ જ સમજાવ્યો ત્યારે તેણે ખાધું અને તે જ વખતે પ્રણ લીધું કે “ હું પોતે એ સાંકડા ઘાટમાં જઇશ અને જે લોકોએ બીરબલને માર્યો છે તેમનો મારે હાથે વધ કરી મારા હૃદયના કોપાગ્નિને શાંત કરીશ. ” પરંતુ, પાસેના શુભ ચિન્તકોએ તેને જવા ન દીધો. મુન્તખિબુત્તવારીખના લેખક જણાવે છે કે, તે લડાઈમાં ઘણા મોટા મોટા અમીરો માર્યા ગયા હતા, પરંતુ બાદશાહને બીરબલ માટે જેટલો શોક હતો તેટલો કોઈના માટે પણ ન હતો. તે વારંવાર એજ કહેતો “ હાય ! હાય !! તેના મૃતદેહને તે ઘાટમાંથી કોઈ બહાર કાઢી ન લાવ્યો જેથી તેનું શબદહન તો થઈ શકત ! ?" પાછો એક ગાઢ ઠંડો નિશ્વાસ નાંખી નીચેના શબ્દો ઉચ્ચારી મન