પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
પરિક્ષકની બલિહારી.

કરી બેસવાને આસન આવ્યું. બીરબલે શાહના હાથનો લેખેલો પત્ર રાજાના હાથમાં મૂક્યો. રાજાએ પત્ર વાંચી આશ્ચર્યતાથી બીરબલને પૂછયું “તે ચારે વસ્તુઓ ક્યાં છે ?” બીરબલે કહ્યું “મહારાજ ! અહીંયાજ હાઝર છે.” એમ કહી, તેણે પોતાના પેલા જુના ચાકરને કહ્યું “જા, અને મ્હારી સ્ત્રીને તેમજ રંભાને તેડી લાવ.”

ચાકર દોડતો જઈ બન્નેને તેડી લાવ્યો. બીરબલે તે બન્નેને પોતા પાછળ ઉભી રાખી, કહ્યું “મહારાજ ! હું આપના નગરમાં શેઠ નામ ધારણ કરી, સરકારી ચબુતરાની સ્હામે એક બંગલો ભાડે રાખી રહેતો હતો. પ્રથમ મ્હેં આપના કોતવાલ સાથે મિત્રતા બાંધી. તેણે મ્હારી પાસેથી પુષ્કળ ધન સંપાદન કરી આ નાચકા રંભા સાથે મ્હારો સંબંધ કરાવ્યો અને ત્યારબાદ આ ઉચ્ચ કુળની કન્યા મનોરમા સાથે મ્હને પરણાવ્યો. આ પરણેતર સ્ત્રીને હંમેશ એક કોરડો મારવાનો મ્હેં નિયમ કર્યો. ત્યાર પછી એ સ્ત્રી અસલ છે કે કમઅસલ, એની ખાત્રી કરવા બજારમાંથી એક પાકેલું તરબુજ ખરીદી, તેના બે કકડા કરી, એક રાતા રૂમાલમાં બાંધી હું ઘેર ગયો અને મ્હારી સ્ત્રીને કહ્યું કે “આ રાજકુમારનું માથું કાપી લાવ્યો છું, પણ તું કોઈને કહેતી નહી.” એમ કહી તે પોટકી પેટીમાં બંધ કરી, મનોરમાને બે કોરડા જોરથી મારી બ્હાર જતો રહ્યો. હું બ્હાર નીકળ્યો કે તરતજ એ કુળવંતી નારીએ બૂમરાણ કરી મૂકી અને લોકોની ઠઠ મેળવી. એ કોલાહલ સાંભળી કોતવાલ સાહેબ તેની પાસે દોડી ગયા અને તેને શોર બકોર કરવાનું કારણ પૂછ્યું. પોતાની દાઝ કાઢવાનો યોગ્ય સમય