પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
બીરબલ વિનોદ.

 લાડ અને પુરના મનમાં એમ હતું કે ‘આપણે બાદશાહના અત્યંત માનીતા છીએ એટલે બાદશાહ આપણને કાંઈ પણ શિક્ષા નહીં કરે, એટલે તેઓ થયેલા અપરાધની ક્ષમા યાચવાને બદલે હસવા લાગ્યા. જો તેમણે ક્ષમા માગી હોત તો કદાચ બાદશાહ તેમને માફી આપી દેતા પણ આતો ઉલ્ટા સ્હામે હસ્યા. એથી બાદશાહે પોતાનું ઘોર અપમાન માની લઈ, પોતાના રાજ્યમાંથી તે બન્નેને એકદમ ચાલ્યા જવાની આજ્ઞા કરી.

બાદશાહને ક્રોધ ચઢ્યો છે જાણી તેઓ ગુપચુપ ત્યાંથી ચાલતા થયા, પણ દિલ્હી મૂકીને બીજે ક્યાંય જવાનું ન ગમ્યું એટલે આખો દિવસ જંગલમાં ગુઝારતા અને રાત્રે શહેરમાં આવતા. આવી રીતે છએક મહીના ગાળ્યા, ૫ણ એવું ક્યાં સુધી નભી શકશે ? એવો વિચાર થતાં તેમણે બીરબલની સ્હાય લેવાનું ઉચિત્ ધાર્યું. એક દિવસ રાત્રે બીરબલ પાસે જઈ આજીઝી કરી કોઈ રસ્તો શેાધી આપવા કહ્યું. બીરબલે દયા લાવી એક યુક્તિ બતાવી એટલે બીચારા ખુશખુશ થતા વિદાય થયા. એ દિવસ તેઓ બીરબલની સૂચના મુજબ દિવસે બહાર ફરવા નીકળ્યા હતા એવામાં બાદશાહે તેમને ઓળખતાં જ પોતાનો ઘોડો તેમની તરફ દોડાવ્યો. બાદશાહને પોતાની તરફ આવતો જોઈ બંને એક વૃક્ષ પર ચઢી ગયા. બાદશાહે તેમને વૃક્ષ ઉપર ચઢતાં જોઈ લીધા હતા એટલે વૃક્ષની નીચે ઘોડો થોભાવી ઉપર નઝર કરી કહ્યું “મ્હેં તમને મ્હારા રાજ્યમાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરી હતી, છતાં તમે કેમ ગયા નથી ?”