પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
બીરબલ વિનોદ.

વાર્તા ૧૬૨.
જુઠી માયા.

એક દિવસ બાદશાહ અને બીરબલ બીજા કેટલાક દરબારીયો સાથે મહેલના બગીચામાં બેઠા બેઠા ટોળ ટપ્પા મારતા હતા. જુદીજુદી વાતો થયા પછી કુદરત અને ત્યાર પછી માણસના મોત વિષે વાત નીકળી. એક દરબારીયે કહ્યું “માણસ પોતાની આખી ઝિંદગી સુધી તરેહવાર મુસીબતો ઉઠાવી, મજુરી કરી, જુઠું સાચું બોલી પોતાની સંતતિ માટે દોલત એકઠી કરી જાય છે પણ પોતાની સાથે કાંઈ લઈ જઈ શકતો નથી. જેવી રીતે જન્મતી વેળા તે ખાલી હાથે આવ્યો હતો, તેવીજ રીતે મરતી વખતે પણ ખાલી હાથે દુનિયાથી જાય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે, જન્મ વખતે મૂઠી બંધ હોય છે અને મરણ વખતે મુઠી ખુલ્લી હોય છે.”

આ સાંભળી બીરબલે કહ્યું “હુઝૂર! અત્યારે મ્હને એક આગલા બાદશાહની વાત યાદ આવી છે. જો આજ્ઞા હોય તો સંભળાવું.”

બાદશાહે હુકમ આપતાં, સૌ કોઈ એક ચિત્તે સાંભળવા તૈયાર થયા. બીરબલે કહ્યું “આગલા ઝમાનામાં એક મ્હોટો બાદશાહ હતો. તેની પાસે અઢળક દોલત હતી, અસંખ્ય હાથી, ઘોડા, ઉંટ, ગાય વગેરે પશુઓ હતા. તે એક વિશાળ દેશ ઉપર રાજ્ય ચલાવતો હતો. લાખો નહીં બલકે કરોડો હીંદુ, મુસલમાનો તેની પ્રજા તરીકે તેને માન આપતા. તેનું લશ્કર પણ અજીત કહેવાતું અને તેના નામ માત્રથી શત્રુઓ ધ્રુજી ઉઠતા હતા.