પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીરબલની દાસીના કહેવા મુજબ તો ત્રણે જણીઓ ખુશી થઇ પણ ચોથીની આગળ દાસીએ રત્નની વાત કહી, તેથી તેનો ચહેરો તરત ફીકો પડી ગયો, અને મન સાથે વિચાર કરવા લાગી કે, 'રત્ન તો મારી કને છે, અને ત્યાં કેવી રીતે ગયું. જો દાસી જાય તો તપાસી જોઉં.' એવો મનસુબો કરીને દાસીને કહ્યું કે, 'આજતો મને બહુ ઉંઘ આવે છે, માટે સુઇ જઇશ.' એમ કહી દાસીને રજા આપી. આ સમે બીરબલ તે ચંદરીના ઓરડાના પછવાડેના ભાગમાંથી બધી વાત સાંભળતો હતો, અને જોતો હતો. દાસી ગઇ.ચંદરીએ તરતજ ઓરડાનું બારણું બંધ કરી, પેટી ઉઘાડી રત્ન બહાર કાઢી બરાબર તપાસીને પાછું મુકી દીધું. આ જોઇ બીરબલ અને તેની દાસી પોતાને ઘેર ગયાં. પછી તરત તે ચારે જણીઓને કહી મોકલાવ્યું કે, 'શાહને તમારૂં ગાયન સાંભળવાની ઇચ્છા થઇ છે માટે તરત આવવું.' હુકમ થતાંજ આ ચારે જણીઓ આવીને પોતાનું ગાયન સંભળાવી શાહ અને બીરબલને છક કરી નાખ્યા. બીરબલે આ ત્રણેને કેફ વગરની ચાહ પાઇ અને પાનની પટી ખવરાવી. અને ચંદરીને કેફ ચઢે એવી પાઇને ઉપરથી પાનની પટી ખવરાવી બેભાન બનાવી. તે ત્રણેને જુદી ગાડીમાં બેસાડી રવાના કરી. અને ચંદરીની સાથે પોતાની દાસીને મોકલીને કહ્યું કે, 'ચંદરીને ખુબ કેફ ચઢે ત્યારે તેની કમરેથી ચાવી લઇ તેની પેટી ઉઘાડી તેમાંથી રત્ન કાઢી લઇ પેટી પાછી બંધ કરી નાંખી, પછી ચાવી તેની કમરે લટકાવી ઝટ તેના ઓરડાના બારણા બંધ કરીને પાછી તું આવતી રહેજે.' બીરબલના કહેવા મુજબ કરી દાસી તરત પાછી આવીને તે રત્ન બીરબલને આપ્યું. રત્ન હાથમાં આવતાંજ બીજા દિવસના બાર વાગે કચેરીમાં ચારે નાયકાઓને બોલાવીને બીરબલે સર્વની સમક્ષ ડાબલામાંથી રત્ન કાઢીને ટેબલ પર મુકીને કહ્યું કે, 'જુઓ આ રત્ન તમારૂં છે ?' તે બોલીઓ કે, 'હા તે અમારૂં છે.' એટલે બીરબલે તેણીઓને તેમનું રત્ન આપી દીધું. તે લઇને ચારે જણીઓએ ગુપચુપ પોતાનો માર્ગ લીધો. ચારે જણીઓમાં કોઇને દુઃખ ન લાગે, અને કોઇ કોઇને કંઇ કહી ન શકે, અને પોતાના મનમાં સમજી બેસી રહે તેવા પ્રકારનો ઇન્સાફ બીરબલે આપવાથી શાહ સમેત તમામ દરબાર ગર્વ રહીત બની બીરબલની બુદ્ધિને ધન્યવાદ આપવા લાગી.

સાર - કોઇની વાત કોઇ ન જાણી શકે, અને તેની ગયેલી વસ્તુ તેને પાછી મળે. એવી પ્રકારનો તોલ કરી ન્યાય કરનારજ ખરો ન્યાયાધીશ કહેવાય. બાકીના તો કેસુડાના રંગ જેવા સમજવા.


-૦-