પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ૫૩ મી.
-૦:૦-
ચારમાંથી ચોર કોણ ?
-૦:૦-

ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, મંદ મંદ વાયુ ચાલી રહ્યો છે, મેઘ ગર્જના થઇ રહી છે, એવા શાંત સમયે શાહ 'આલમ બાગમાં' તમામ દરબારીઓને બોલાવી બીરબલની સાથે રાજ રંગની વાતો ચલાવી રહ્યો છે. એ સમયનો લાભ લઇ સુંદરી, ગંગા, તારા અને ચંદરી નામની ચાર નાયકાઓ આવી મુજરો કરી ઉભી રહીઓ. અને તે ચારે જણીમાંથી એકે કહ્યું કે, 'ખલેકે ખાવીંદ ! અમે ચારે સગી બેનો થઇએ, અને સાથે રહી ગાયનનો ધંધો કરીએ છીએ. અને જે કાંઇ કમાણી કરીએ છીએ તે પણ ભેગું રાખીએ છીએ. આમ કરતાં કરતાં અમે બે લાખ રુપીઆ પેદા કીધા. આ મોટી રકમ અમારાથી સચવાઈ શકાય એમ ન હોવાથી, તથા તે રકમને બીજાને ત્યાં વ્યાજે મુકવાની હીંમત નહીં ચાલવાથી, અમે તે રકમનું એક રત્ન વેંચાતું લીધું. તે રત્નને એક પટારામાં મુકી તેને જુદી જુદી જાતના ચાર તાળા મારી તેની અકેક ચાવી અમે અકેક જણીઓ રાખીએ છીએ. અને જ્યારે પટારો ઉધાડવો હોય છે ત્યારે ચારે જણીઓ સાથે મળીને ઉઘાડીએ છીએ. હમણાં તપાસ કરતાં રત્ન ગુમ થયેલું જણાયું. હવે તે રત્ન અમારામાંથી કોણ લઇ ગયું તે ખબર નથી. તે રત્ન અમારામાંથી કોઈનું નામ જો છતું ન થાય તો તેને ખચીત મરવું પડે. માટે અમારામાંથી કોઇનું નામ છતું ન થાય, અને અમારૂં રત્ન અમને મળે એવા પ્રકારનો ઇન્સાફ આપવાની મહેરબાની કરશો.' શાહના હુકમથી બીરબલે આ ચારે જણીઓની મુખ જબાની લીધી તો મળતી આવી, પછી તે ચારે જણીઓને પંદર દિવસ સુધી રહેવાનો હુકમ કીધો. અને તેણીઓ દરેકને રહેવા માટે જુદા જુદા ઓરડા આપ્યા. તે એવા કે તેમના ઓરડાની પાછળ જાળીઆં હતાં, અને તે જાળીઆં એવાં હતાં કે તે ઘરમાં શું થાય છે, તે બહારનો માણસ જોઈ શકે, પણ ઘરનો જોઇ શકે નહી.

કાંઇ પણ યુક્તી કીધા વગર રત્નનો પતો લાગનાર નથી. એવો વીચાર કરી બીરબલે પોતાની દાસીને કહ્યું કે, તે ચારે નાયકાને ઉતારે તારે નીત જઇ તેણીઓનો પ્યાર મેળવવો.' દાસીએ તે મુજબ કીધું. પછી ચૌદમા દિવસની રાતે બીરબલ પોતાની દાસી સાથે ગયો. અને દાસીને કહ્યું કે, તે ચારે જણીને તારે એમ કહેવું કે તમારૂં રત્ન મળ્યું છે, તે તમને કાલે આપવામાં આવશે. પછી પા કલાક બેસીને તું તરત ઉઠી નીકળજે.' બીરબલને આમ કરવાનું કારણ એટલુંજ કે, જેની પાસે જે વસ્તુ હોય, અને તેને કહીએ જે બીજી જગાએ મેં તે વસ્તુ જોઇ હતી તો તે માણસ પોતા પાસેની વસ્તુ તપાસવા વગર રહે નહીં. હવે