પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ વાતને થોડાક દીવસ વીતી ગયા પછી એક સમે યમુનાજીથી સ્નાન કરી બીરબલ આવતો હતો, તે જોઇ શાહે પાંચમા સવાલની ખાત્રી કરવાનો વખત છે એમ વીચાર કરીને એક હાથીના મહાવતને બોલાવી કહ્યું કે, 'ભાગવાનો રસ્તો ન મળે એવી સાંકડી શેરીમાં પેઠો તેવોજ તેની સામે હાથીને મસ્તાન બનાવી એકદમ છોડી દે જે.' જેવો બીરબલ સાંકડીશેરીમાં પેઠો તેવોજ માવધે મસ્ત હાથીને તેની સામે છોડી દીધો. પોતાની સામે ધસારાબંધ આવતા હાથીને જોઇને બીરબલે મનમાં વીચાર કીધો કે, 'આ બધી ધામધુમ પાંચમાં સવાલની ખાત્રી કરવા માટે શાહે કીધી છે, એમાં તો જરા પણ શક નથી ? મારે પણ તેની ખાત્રી કરી આપવીજ જોઇએ?' હાથીના સપાટામાંથી બચવા માટે ઇલાજ શોધવા લાગો, પણ કંઇ ઇલાજ ન મળવાથી હીંમતે મદદ તો મદદે ખુદા આવો વીચાર કરી તે ઉશ્કેરાયેલા હાથી સામે જવા લાગ્યો. એટલામાં એક આડી ગલી આવી. આ ગલીને નાકે એક બીમાર કુતરૂં પડેલું હતુ, તેના બે પગ પકડીને ખુબ ફેરવ્યું અને જોરથી હાથીના કપાલ પર ફેંક્યું તેથી તે કુતરાના નખ હાથીની શુંઢના મુળમાં વાગવાથી હાથી પાછો હઠવા લાગ્યો. હાથીને જોઇ કુતરૂં બહુ ભસવા લાગ્યું. તે જોઇ હાથી બહુ ખીજવાયો, મહાવતના હાથમાં ન રહેતાં હાથીતો કુતરાની પાછળ દોડ્યો. તે તકનો લાભ લઇ બીરબલ આડી ગલીમાં નીકળી ગયો. કુતરૂં પણ ભસતું ભસતું બીરબલ વાળી ગલીમાં પેઠું, તે જોઇ હાથી પણ સ્તંભ થઇ ગયો. મહાવતે તરત હાથીને પાછો ફેરવ્યો. અને બનેલી હકીકતથી શાહને વાકેફ કીધો. આ સાંભળી શાહ ઘણો ખુશી થયો.

સાર - હાજર સો હથિયાર ? આફતની વખતે તેજ કામ આવે છે. પણ જો તેમ કરવાની પોતામાં બુદ્ધિ ન હોય તો કોઇની સાથે કોઇ પણ વખતે તકરારમાં ઉતરી હઠ કરવી નહી, ખોટી રીતે હઠ કરવાથી આબરૂ અને પ્રાણની હાની થાય છે.


-૦-