પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ૫૫ મી.
-૦:૦-
બગડી એ કેમ સુધરે?
-૦:૦-

સુધરી બીગરે બેગહી, બીગરી ફીર સુધરે ન,

દુધ ફટે કાંજી પરે, સો ફીર દુધ બને ન.

એક સમે શાહે રંગ ભુવનમાં દરબાર ભરી, રંગ રાગમાં ગુલતાન બની આનંદ લુટી રહ્યા હતા. દરબારીઓને વધારે આનંદીત બનાવવા માટે શાહે એક ઉત્તમ અત્તરની શીશી કાઢી જેવો તે બધાને છાંટવા જાય છે તેવુંજ તે શીશીમાંનું થોડુંક અત્તર ગાલીચા પર ઢોળાઇ ગયું. તે કોઈ જાણી ન શકે તેમ ગાલીચા પરથી આંગળી વતે લેવાને જરા વાંકો વળ્યો, પણ અત્તર પડતાજ ગાલીચો ચુસી જવાથી શાહના હાથમાં ન આવ્યું તેથી શાહનો ચહેરો ફીકો પડી ગયો.

આ સમે બીરબલ પણ શાહની બાજુમાં બેઠો હતો. તે કોઇ જોઇ શકે નહીં તેમ બીરબલ બારીક નજરથી શાહના હાથમાંની શીશીમાંથી ઢોરાઇ ગયેલા અત્તર ઉપર હતી. તેથી શાહ મનમાં વીચાર કરવા લાગ્યો કે, મારા સરખા પણ આવી નજીવી વસ્તુ માટે કેટલો બધો લોભ રાખે છે. એમ જો બીરબલના જાણવામાં આવે તો તે વખત સાધીને મારી હાંસી કર્યા વગર કદી પણ રહેનાર નથી ?' આવો વીચાર કરી બીજે દીવસે પોતાની ઉદારતા બતાવવા માટે, તરત એક પાણીનો હોજ ખાલી કરાવી, તે અત્તરથી ભરપુર ભરાવી, શહેરના તમામ લોકોને બોલાવીને કહ્યું કે, 'જેમ તમારી મોજ આવે તેમ આ અત્તરથી ભરેલા હોજમાંથી અત્તર લો.' આ સાંભળી લોકો મહોટી હોંશથી અત્તર લેવા લાગ્યા. આ વખતે બીરબલ પણ હાજર જતો. બીરબલને જોઇ શાહે કહ્યું કે, 'કેમ બીરબલ ! કેવી મજાહ ઊડી રહી છે ? કેવો આનંદ મચી રહ્યો છે ? આ સાંભળી બીરબલે તરત મોં મલકાવીને કહ્યું કે, હજુર ? મારા બોલવા પર રીસ ન ચઢાવશો ? પણ જે બુંદથી ગઇ તે હોજથી કદી પણ સુધરતી હશે ? તેનો આપેજ વીચાર કરી લેવો.'

બીરબલના આવા માનભંગ શબ્દો સાંભળીને શાહ બહુ ચીડાઇ જઇને મનમાં બોલ્યો કે, 'બીરબલે ચહાસન મારી હલકાઈ બતાવીને મારૂં માન ઉતરાવી નાખ્યું. અફસોસ ? આને માટે એનો જાહેરમાં તીરસ્કાર કરવો એતો મારા પદને વધારે લાંચ્છનરૂપ સમજું છું. માટે સર્વની સમક્ષ ન બોલતાં પછી એની વાત ?' આવો વીચાર કરી બે ચાર દીવસ જવા દીધા પછી શાહે નીત્યના નીયમ પ્રમાણે બીરબલની લેવાતી સલામ બંધ કરીને અનુચરને હુકમ