પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપ્યો કે, 'મારો હુકમ થાય નહીં ત્યાં સુધી બીરબલને કચેરીમાં આવવા દેવા નહીં.' આ વાત બીરબલના જાણવામાં આવતાંજ બીરબલે મનમાં વીચાર કર્યો કે, 'ખરેખર મારા બોલવાથી શાહને માઠું લાગ્યું છે ! ખેર ! બગડેલી બાજીને સુધારીશું. આ બનેલા બનાવ કોઇના જાણવામાં ન આવે તેટલા માટે અહીંઆ ન રહેતાં બહાર ગામ જઇ વસવામાં હું વધારે લાભકારક સમજું છું.' આવો વીચાર કરી તરત બીરબલ કોઇને જણાવ્યા વગર ગુપચુપ દીલ્લી છોડીને એક ન્હાના ગામડામાં એક રહેતા પાટીદારને ત્યાં જઇ, પોતાનું ખરૂં નામ ઠામ ન બતાવતાં અન્ય નામ ધારણ કરી રહ્યો.

બીરબલ વગરની દરબાર અંધકાર સમ શાહને ભાસવા લાગી, બીરબલ વગરનો દીવસ શાહને બીહામણો લાગ્યો, બીરબલ વીના સત્ય ન્યાય કોણ આપે ? બીરબલ વીના રાજ ખટપટનો નીવેડો કોણ લાવે ? આવા વીચારમાં ને વીચારમાં શાહ ઘણો ગભરાવા લાગ્યો. પોતાનો ગભરાટ ઓછો કરવા માટે શાહે બીરબલની બહુ તપાસ કરાવી, પણ બીરબલનો પત્તો લાગ્યો નહીં. બીરબલ એ મારા રાજનો ચળકતો તારો છે ? એ તારો ગુમ થઇ જવાથી મારા રાજ્યમાં અંધકાર ફેલાશે. આ ફેલાતા અંધકારને પ્રકાશમય કરનાર બીરબલ રૂપી તારાને શોધી કાઢવામાંજ મારૂં ભૂષણ છે ? આવો વીચાર કરી શાહે તરત બીરબલને શોધવા માટે ગામો ગામ માણસો મોકલ્યા પણ બીરબલનો પત્તો લાગ્યો નહીં. આથી શાહ ઘણો ઉદાસીન રહેવા લાગ્યો. બીરબલ શાહથી રીસાઇ ગામ છોડી ચાલી ગયો છે, એવી વાત ફેલાતાં ફેલાતાં છેક શાહની ઉપર વેરભાવ રાખનારાં, અને વખત આવે તો તેનું રાજ્ય છીનવી લેવાનો ઈરાદો રાખનાર રાજાઓના કાનપર ગઇ. આમાં સહુથી મ્હોટો દુશ્મન તુરકસ્તાનનો શાહ હતો. તેણે બીજા રાજાઓને બોલાવી કહ્યું કે, 'જ્યાં સુધી બુદ્ધિવાન બીરબલ હતો ત્યાં સુધી આપણે આપણા દુશ્મન ઉપર ફાવી શક્યા નહોતા. હવે બીરબલની ગેરહાજરીમાં જો આપણે એકત્ર થઇ, સામટા બળથી હુમલો લઇ જઇને દીલ્લી હાથ કરવાં કશો વાંધો જોતાં નથી. પણ આપણા પ્રયાસમાં જો આપણે માનભંગ થઇએ તેટલા માટે અકબરની દરબારમાં હવે કોઇ બીજો બુદ્ધિવાન પ્રધાન છે કે નહી ? જો કોઇ તેવોજ બુદ્ધિવાન પ્રધાન હોય અગર છુપી રીતે બીરબલ સલાહ આપતો હોય, તો 'લેનેકો ગઇ પુત, ને ખો આઇ ખસમ' જેવી વાત બને. માટે પ્રથમ તેની ખાત્રી કરી લેવા માટે શાહને આ પ્રમાણે કાગળ લખવો કે, 'અક્કલનો એક ઘડો ભરી ચાર માસની અંદર મોકલાવી દેજો, અને જો ન મોકલી શકો તો લડાઇ માટે તઈયાર થજો.' આમ લખવાથી ખરી બીના જાણવામાં આવશે એટલે પછી આગળ ચાલવામાં આપણને કોઇ જાતની હરકત પડનાર નથી.' આ વાતને બધા રાજાઓ કબુલ કરવાથી તુર્કસ્તાનના શાહે સૌની સમક્ષ પત્ર લખી, અનુચરને આપી, અકબરને પહોંચાડવા દીલ્લી તરફ રવાના કીધો.