પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તુર્કસ્તાનના શાહનો અનુચર પત્ર લઇ ભમતો ભમતો દીલ્લીમાં આવી અકબરને તે પત્ર આપ્યો. પત્ર વાંચી શાહ મનમાં વિચાર કરવા લાગ્યો કે, 'બીરબલના જવાની ખબર સાંભળી રાજ રીપુઓ મારૂં રાજ્ય લેવાને કેવા ઉન્મત બન્યા છે ? બીરબલ વગર આનો ઉત્તર આપી રાજ્ય રીપુઓનું સમાધાન કરી શકે એવો કોઇ બીજો બીરબલ નથી ! હવે આનો શો ઉપાય કરવો ? ખચીત ! મારા કર્યા કર્મનો મારે ભોગ આપવો પડશે ? મારી કરણીનાં ફળ મારે ચાખવાં પડશે ? આતો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. એમાં બીજાનો શો દોષ ? પાણી પીને ઘર પુછવા જેવો મેં ઘાટ ઘડ્યો છે ! અપમાન કરી દરબારમાં આવતો બંધ કીધો અને હવે તેને સમજાવી લાવવામાં કેટલી બધી નામોશી ? પણ તેમ કર્યા વગર છુટકોજ નથી ? માટે મારા ઉપર ડોળા ઘુરકાવી રહેલાઓની શુદ્ધ ઠેકાણે લાવવા એક યુક્તી રચી બિરબલને શોધી કહાડું.' આવો વીચાર કરીને શાહે તરત દરેક ગામોના મુખીઓ ઉપર હુકમ લખી મોકલ્યો કે, 'જે અમારા માણસ સાથે બકરો મોકલ્યો છે, તેને દરરોજ પાંચશેર દાણો તથા ઘાસ વગેરેનો ખોરાક આપવો. જેટલા વજનનો બકરો તમારી તરફ રવાના કરવામાં આવ્યો છે તેટલાજ વજનવાળો એક માસથી વધારે રહેવો જોઇએ. જો વધારે ઓછો વજનમાં થશે તો સખ્ત શીક્ષા કરવામાં આવશે.' આવી યુક્તીવાળો હુકમ, અને તેની સાથે અકેક બકરો અને તેનું રક્ષણ કરવા માટે અકેક નોકર દરેક ગામના મુખીઓ પર મોકલી આપ્યા.

જે ગામમાં બીરબલ હતો તે ગામના મુખી પર આ હુકમ જતાં જ તે બહુ ચીંતામાં પડ્યો, એના દુઃખનો પાર રહ્યો નહીં. આ બકરો વજનમાં વધવો કે ઘટવો જોઇએ નહીં. એવી યુક્તી કયા ભંડારમાંથી શોધી કહાડવી. આવી રીતે તે દીનપર દીન ગળતો ગયો. આ ખબર બીરબલને થતાંજ બીરબલે કહ્યું કે, તમારે જરા પણ નીરાશ થવું નહીં. તમારી ઉપર આવી પડેલા સંકટ દુર કરવામાં હું મારો ધર્મ સમજું છું. તમે મને આશરો આપી રાખ્યો છે તેનો બદલો વાળી આપવાને મને આ એક સારી તક મળી છે.માટે હું તમને જેમ બતાવું તેમ તમે જો કરશો તો તમારૂં કષ્ટ દુર થશે, બીરબલે મનમાં વીચાર કરી કહ્યું કે, શાહે મને સોધી કાઢવા માટેજ આ યુક્તી રચી છે.'

બીરબલનાં વાક્યો સાંભળી મુખીએ કહ્યું કે, 'જો તમે મને આ આફતમાંથી બચાવશો તો તમારો ઉપકાર કદી પણ ભુલીશ નહીં. બીરબલે કહ્યું કે, 'તમારા ગામને નાકે આવેલા બાગમાં જે વાધ બાંધ્યો છે , તે વાધની પાસે આવેલા બકરાને થોડી વાર લઇ બાંધવો. વાઘના ભયથી તે રોજ દાણોચારો ખાતાં છતાં આખર સુધી જરા પણ વજનમાં ઓછો વધતો થશેજ નહીં. પણ આ યુક્તી મેં બતાવી છે તે કોઇના જાણમાં આવવું ન જોઇએ. બીરબલના કહેવા મુજબ કરવાથી આખર તારીખ સુધી બકરો તેટલાજ વજનમાં રહ્યો. અને તે પાદશાહ પાસે પહોંચાડવા પટેલ પણ સાથે ગયો. શાહે દરેક ગામથી આવેલા