પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બકરાઓને જોખી જોયા તો તે વજનમાં વધારે ઓછા થયા, પણ આ પટેલના ગામમાં રહેલો બકરો સરખા વજનનો થયો તે જાણી શાહને ખાત્રી થઇ કે તેજ ગામમાં બીરબલ ભરાઇ બેઠો છે, આ સંબંધી મુખીને પુછતાં મુખીએ કહ્યું કે, અમારે તાં એક મેમાન ફરતો ફરતો આવી ચડ્યો હતો તેણે આ ઉપાય બતાવ્યો હતો. તે જાણી શાહે મ્હોટા ઠાઠથી સ્વારી મોકલી બીરબલને મંગાવી પ્રથમ કરતાં વધારે માન આપી પ્રધાનપદનો પોશાક બક્ષ્યો.

પછી શાહે તરત તુર્કસ્તાનના શાહનો આવેલો પત્ર બીરબલના હાથમાં આપી શાહે કહ્યું કે, આ પત્રમાં જેમ લખ્યું છે તે મુજબ જવાબ આપવાની તજવીજ કરો, બીરબલ તરત તે કાગળ વાંચીને એક માટીનો ઘડો મંગાવી તેમાં એક તુંબડાના વેલાને વળગેલું નાનું તુંબડું ગોઠવી દીધું, રોજે રોજ તે તુંબડું વધતું ગયું. તેથી ઘડો તુંબડાના વધવાથી ભરાઇ ગયો તે જોઇ તેને ડીટડેથી કાપી જુદું કરયું. પછી શાહને કહ્યું કે, 'સરકાર અકલનો ઘડો ભરાઇ ગયો છે માટે તુર્કસ્તાનના શાહની પાસે મોકલાવો અને સાથે પત્ર લખી કહેવરાવો કે આપના લેખ મુજબ ઘડો ભરીને અક્કલ મોકલાવી છે, માટે ઘડાને ન ભાંગતાં, અક્કલને કાઢી લઇને અમારો ઘડો જેવો છે તેવોજ તરત મોકલાવી દેશો, જો એમ ન કરતાં અક્કલ અને ઘડાનો નાશ કરશો તો અક્કલની કીંમત બે કરોડ રૂપીયાની છે તે તમારી પાસેથી, લડાઇ કરી વસુલ કરવામાં આવશે.

આ પ્રમાણે લેખ લખી શાહે અકલનો ભરેલો ઘડો તુર્કસ્થાનના શાહની હઝુર એક સ્વાર સાથે મોકલી આપ્યો. કેટલી મુદ્દતે તે સ્વાર તુરકસ્થાનના શાહ હજુર જ‌ઇ ઘડો અને લેખ રજુ કીધાં. શાહે આ લેખ વાંચી તમામ દરબારીઓને તેની હકીકત કહી સંભળાવી. તેથી સહુએ પોતપોતાની અકલ મુજબ ઘડાને ખાલી કરવા બહુ મહેનત કરી પણ તે ફોક ગઇ. આ જાણી શાહે કહ્યું કે, આ ઉપરથી સાબીત થાય છે કે, અકબરની દરબારમાં હજી દાનેશમંદ બીરબલ મોજુદ છે માટે લડાઇ કરવામાં લાભ નથી, તેમ અકલને કાઢી લઇ ઘડાને પાછો મોકલવાને પણ બની શકનાર નથી. માટે બે કરોડ રૂપીઆ આપી ગુપચુપ બેસી રહેવામાંજ આબરૂ છે.' આમ કરવા માટે તમામ દરબાર એકમત થવાથી બે કરોડ રૂપીઆ શાહને મોકલાવી આપ્યા. તે અકબરે લઇ બીરબલને શાબાશી આપી, તીજોરી તરતી કીધી.

સાર - બુદ્ધિવાન પુરૂષોથી બળવાન રાજાઓ પણ ડરે છે. કારણ કે બુદ્ધિવાન પુરૂષ ધારે તે કરી શકે ? અને તેથીજ તેઓ બુદ્ધિવાનોને ચહાય છે. માટે દરેકે બુદ્ધીવાનનો સંગ કરવો. તેને માટે કહ્યું છે કે, 'પંડીતકી લાતાં ભલા, ક્યા મુરખકી બાતા, વોહ લાતે સુખ ઉપજે વોહ બાતે ઘર જાત.'

-૦-