પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરભવમાં આપ્યું નથી તેથી આ ભવમાં મળ્યું નથી ! અને આ ભવમાં પણ આપતો નથી તો હવે પછીના અવતારમાં પણ કશું મળનાર નથી માટે તને, હમણાં પણ સુખ નથી અને પછી પણ નથી.' એમ કહીને શાહે કહ્યું કે, આ આપના બીજા સવાલનો જવાબ ! કે હમણાં નથી અને પછી પણ નથી.

બાદ ગુરૂ ચેલો આગળ ચાલ્યા, ચાલતાં રસ્તામાં પણ એક અતિ દુર્બલ અને ઈશ્વર ભક્તીમાં તલ્લીન એવા સાધુને જોઈ ચેલાએ બતાવ્યું કે, 'સરકાર ! આ ભક્તની પાસે હમણાં કશું પણ નથી ! પરંતુ તપ અને બગવત્‌ ભજનથી આવતા ભવમાં અપાર સુખ સમૃદ્ધીવાન થશે. માટે હમણાં નથી પણ પછી છે એ આપના ત્રીજા સવાલનો જવાબ.' એ સાંભળી શાહ આનંદમાં આવી જઇને કહ્યું કે, 'હવે ચોથા સવાલનો જવાબ મારી પાસે જ છે તે શી રીતે ? બીરબલે કહ્યું કે, 'સરકાર ! એ સવાલનો જવાબ આપની આગળ છે તે તપાસી વીચારી જુઓ કે આપ પુર્વપુણ્યના પ્રતાપથી હિંદુસ્થાનની રાજ્ય ગાદી ઉપર તખ્ત નસીન થયા છો અને કોઇ પણ પ્રકારની સંપત્તિમાં કચાસ નથી, પરંતુ આવતા ભવમાં એ સુખનું જરા પણ સુખ પ્રાપ્ત થનાર નથી, કેમકે હમણાં પુર ચઢતાંના વખતમાં આપ દયા, દાન, પરોપકાર, સાધુ સંતની ભક્તી, સારાં કૃત્ય કરવામાં પુરી ખંત અને ઈશ્વર ભજન ઉપર રૂચી રાખતા નથી તો આવતા ભવમાં સુખ સંપત્તિ શી રીતે પ્રાપ્ત થશે ? માટે ચોથા સવાલનો જબાબ એજ છે કે હમણાં છે પણ પછી નથી !' પછી આપની જેવી ઇચ્છા હોય તે ખરી.

આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી શાહે પોતાની રેહેણી કેહેણી સુધારવા મન સાથે સત્ય પ્રતિજ્ઞા કરી અને બીરબલની બુદ્ધિ થતા તેની વિદ્વતા વિષેની ભણી જ તારીફ કરી. તથા બીરબલ પાસેથી શુદ્ધ જ્ઞાન, ભક્તી સંપાદન કરી આ લોક અને પરલોક સંબંધી યશ, લક્ષ્મી, અને ઉચ્ચ વૈભવ પ્રાપ્ત કર્યાં. બીરબલના ઉત્તમ ગુણોથી રીઝી શાહે બીરબલને અકલ બહાદુર, કવીરાય, પ્રેમ મુની, રાજા સાહેબ વગેરેના ઇલકાબ અને મોટી જાગીરો બક્ષીસ આપી આનંદસહ સત્કાર કરી જીવનનો લાવો લીધો.

સાર - દાન, દયા પરઉપકાર, સાધુ સંત, પ્રભુની ભક્તી પોતાની શક્તી પ્રમાણે કરી મનુષ જન્મ સફળ કરવો.


-૦-