પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાળકોને ભણાવવા માટે ઓછામાં ઓછા બે હજાર રૂપીઆ જોઇએ તો આપથી સહાયતા આપી શકાય તો કહો ! જો આપ એ કામમાં મદદ કરશો તો ઇશ્વર તેનો બદલો આપને આપશે.' પછી શેઠે તરત માગણી મુજબ રકમ યોગીને ભેટ કરી. તે જોઇ ચેલાએ કહ્યું કે, 'આ ઉપકારના બદલામાં હું એમ કરવા ચાહું છું કે અકેક જોડો તમારા માથામાં મારતો જઉં, અને તમે દર જોડા દીઠ અકેક રૂપીઓ આપતા જાઓ.' ચેલાની વાત સાંભળી દુકાનપર બેસનારા અને રસ્તે ચાલનારાઓ અજાયબીમાં ગરકાવ થયા કે 'વાહ ! ઉપકારનો બદલો ઠીક ! રૂપીઆ આપવા અને જોડાં ખાવાં ? એ ખરેખર નવાઈ !' પરંતુ શાહુકાર કશું પણ ન બોલતાં તથા આ માટે જરા પણ ઉદાસ ન થતાં ગુરૂને વીનવી કહ્યું કે, 'જ્યારે આ રૂપીઆ સારા કામમાં જવાના છે તો પછી તે બદલ દર રૂપીએ જોડો સહન કરવામાં હું મારૂં મહાભાગ્ય સમજું છું ? સારા કામ માટે પ્રાણાંત સહન કરવું પડે તો પણ શું ? આમ કહી તરત શેઠે માથું નીચે નમાવ્યું. ધન્ય છે ! એવા ધનવાન ધર્માત્માઓને !

આ જોઈ ચેલાએ કહ્યું કે, 'શેઠજી ! આપની આવી ગુરૂભક્તી જોઇ હું ઘણોજ ખુશી થઇ કહું છું કે આ રૂપીઆની હવે કશી જરૂર નથી કારણ કે જે અમારે જોઇતું હતું અને જાણવાની ઈચ્છા હતી તે પ્રાપ્ત થવાથી કાર્યસિદ્ધ થયું છે. માટે આનંદમાં રહો અને સદા સુકૃત્ય કરતા રહો !' એમ કહી આગળ ચાલ્યા, ચાલતાં ચેલાએ ગુરૂને કહ્યું કે,'આ આપના પહેલા સવાલનો જવાબ કે 'હમણાં છે અને પછી પણ છે.' મતલબમાં હાલ પણ પ્રભુ કૃપાએ સર્વ સંપતીવંત આ શેઠ છે છતાં પોતાની સ્તુતીપાત્ર વૃતિ ભક્તી અને રહેણી કરણી કાયમ રહેલ છે તો આ લોક ત્યાગી પરલોક જશે તો પણ ત્યાં સત્કૃત્યના બદલામાં ઉત્તમ પ્રકારનાં સ્વર્ગ સુખ મળશે જેથી હમણાં બધી વાતે સુખી છે અને આવતે ભવે પણ સુખી છે. માટે આપના પહેલા સવાલનો જવાબ સ્વીકારી લો.'

આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી શાહ ઘણો વીસ્મય પામ્યો. આગળ ચાલતાં એક ભીખારી ભીખ માંગતા લોકોને ઉપદેશ કરતો હતો કે, 'એક ગણું પુન્ય સહસ્ત્ર ઘણો લાભ છે. હાથે તેજ સાથે છે. દયાપાત્ર રાખી જો પરોપકાર, દાન કરશો તો પ્રભુ તમને આવતે ભવ અધીક સુખ આપશે.' આ પ્રમાણે ભીખારીની દીનવાણી સાંભળી એક દયાળુ પુરૂષે પેટપુરતું ખાવાનું આપ્યું. તે લઇ ભીખારી ગામની બહાર જઇ ઝટપટ ખાવા મંડી પડ્યો. ગુરૂ ચેલો પણ તેની પાછળ પાછળ તે ખાવા બેઠેલા ભીખારીને ચેલાએ કહ્યું કે, 'દયાળુ સેવક ! અમે બંને જણ ભુખ્યા છીએ અને ભુખથી અમારો જીવ જાય છે. જો થોડું અમને આસરા જેટલું અંન ખાવા આપો તો ભગવત તમારૂં કલ્યાણ કરશે.' એવી ઘણી આજીજી કરી, પણ ભીખારી તે આજીજી તરફ જરા પણ લક્ષ ન દેતાં પેટપુજા કરવામાં પુરેપુરૂં લક્ષ આપવા લાગ્યો હતો. તે જોઇને ચેલાને રીસ ચઢવાથી તે ભીખારીને બે ચાર જોડા મારીને કહ્યું કે, 'અલ્યા અધમ ! ભીખ માગતી વખતે શો ઉપદેશ દે છે પણ તે ઉપદેશ મુજબ ચાલતો કેમ નથી ?