પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજે દીવસે સવારમાં તે નોકરને બાદશાહે હુકમ કીધો કે, 'જા દરબારી ચુનાવાળાને ત્યાંથી પાંચસેર ચુનો લઇ આવ.' હુકમ સાંભળતાંને વાર તે ચુનાવાલાને ત્યાં જવા નીકળ્યો. આયુષ બળને લીધે તેને બીરબલની ભેટ થઇ અને બાદશાહનો ફરમાવેલો હુકમ તેમને કહી સંભળાવ્યો. તે ઉપરથી બીરબલ સમજી ગયો કે, આને બાદશાહે ચુનો ખવરાવ્યો, પરંતુ એને કશી ઇજા થઇ નહીં તેથી એના પ્રાણનો નાશ કરવા હજી ધારે છે. એજ માટે આને ચુનાવાલાને ત્યાં મોકલવા ફરમાવ્યું છે, તે સબબ સમજી બીરબલને તેથી દયા ઉપજી તેથી કહ્યું કે, 'તું પંદર વીસ મીનીટ અહીંયાં ઊભો રહે, પછી ચુનાવાલા પાસે જઇ ચુનો લાવી બાદશાહ પાસે જજે.'

અહીંઆ બાદશાહે નોકરને ચુનાવાળાને ત્યાં મોકલ્યા, પછી થોડી વેળા થયા બાદ એક બીજા નોકરને પ્રથમ મોકલેલા નોકરની શી વલે થઈ છે ? તેની ખબર કહાડવા મોકલ્યો. તે સીધો ચુનાવાલાને ત્યાં જઇ પહોંચ્યો. જે ચાકર જવાનો હતો તે તો બીરબલની પાસે રોકાયો અને પછી ગયેલો ત્યાં પ્રથમ જઇ પહોંચ્યો, તેથી સંકેત પ્રમાણે ચુનારે તેને ઉઠાવી ભઠીમાં નાંખી બાળી નાખ્યો, કારણ કે તે ચુનારાને એવો સંકેત બતાવ્યો હતો કે, 'જે સવારના પહોરમાં પ્રથમ નોકર તારે ત્યાં આવે તેને ભઠીમાં નાંખી બાળી નાખજે.'

અહા ! જેને રામ રાખે તેને કોણ ચાખે ? એ વાકયના પ્રતિતી આપવા દાખલો બસ છે ? હવે જે પ્રથમ ચુનારાને ઘેર જવા નીકળ્યો હતો તે નોકર બીરબલ પાસેથી અડધા કલાક પછી ચુનારાને ઘેર ગયો અને ચુનો લઇ બાદશાહ સમક્ષ જઇ ચુનો આગળ મુક્યો. તે જોઇ શાહને અત્યંત અજાયબી લાગી કે, 'અરે ! આ શી રીતે જીવતો પાછો આવ્યો !' આવો ચમત્કાર જોઇને ચાકરને પુછ્યું કે, 'તું જે વખતે ચુનો લેવા ગયો તે વખતે તને રસ્તામાં કોણે રોક્યો હતો ?' ચાકરે કહ્યું કે, 'સરકાર ! બીરબલજી પોતાના ઘરના ઓટલાપર બેઠા હતા તેમણે મને પોતાની પાસે બોલાવીને પુછ્યું કે સરકાર હમણાં ક્યાં બીરાજે છે ? તેના જવાબમાં મેં કહ્યું કે ચાહ પીવા બીરાજ્યા છે ? એમ કહી ચુનો લેવા ગયો અને આપનો હુકમ બજાવી આવ્યો.' ચાકરની આ હકીકત સાંભળી શાહને ખાત્રી થઇ કે, 'આ ચાકરને બીરબલની સ્‍હાયતા છે તેને સ્‍હાયતા ન હોતતો ક્યારનો જમપુરીમાં પહોંચી ગયો હોત ? ખેર ! એના નસીબ ! માટે હું જેટલી માથાકુટ કરીશ તેટલી ફોકટ જશે ? કેમકે જેની વારે બીરબલ છે તેને કોઇ કાંઇ કરી શકનાર નથી.' આવો આવો વીચાર કરી શાહે ચાકરને મોતમાંથી બચાવી જીવનદાન આપ્યું. અને બીરબલની અકલના વખાણ કરવા લાગો.

સાર - ઇસારા ઊપરથી વાતનું ખરૂં સ્વરૂપ જાણી, મહોટાઓના સપટામાં પોતાને અથવા બીજાને યુક્તીથી બચાવવાને બુદ્ધીની કેટલી બધી જરૂર છે. તેનો ખ્યાલ આ વારતા પરથી