પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીચારો વજીરજાદો જો બીરબલ કશીપણ વાત કાનમાં કહી ગયો હોય તો કહેને ? તેથી તેણે શાહજાદા પ્રત્યે જણાવ્યું કે "મીત્રવર ! બીરબલજી ખાલી પોતાનું મોઢું મારા કાન પાસે રાખી ગુપ્ત વાત કહેવા સરખો ભાવ બતાવી ગયા છે. પણ કશી વારતા કહી ગયા નથી એટલે આપને શું કહું ?

આ સાંભળી શાહજાદે જણાવ્યું કે 'વ્હાલા દોસ્ત તેમણે (બીરબલે) ગુપ્ત વારતા કોઇને ન કહેવાની ભલામણ કરી છે તેથી તું વાતનેજ ગલત કરી નાંખે છે, પરંતુ હું કાંઇ કોઇ નથી, કિંતુ એક આત્મરૂપ છું માટે કહેવામાં કશી અડચણ નથી !' આવાં વાક્યો સાંભળતાં વજીરજાદો અતી ખેદવંત બની બોલ્યો કે "શું ત્યારે હું આપને ખોટાં બાનાં બતાવી વાતને છુપાવું છું ? કોઇ દીવસ નહીં અને આજ શું મારા મનમાં આપ માટે જુદાઇ ભાસી હશે ? છટ અત્યારનું બોલવું બીલકુલ આપનું ગેરવ્યાજબી છે." આવા વજર સરખા કઠોર વચનો સાંભળી શાહજાદે જણાવ્યું કે "તું ગમે તેવી યુક્તિ પ્રયુક્તિથી સમજાવ, પણ હુ તે તારી વાત કબુલ કરનાર નથી, કેમકે મેં નજરથી જોયેલ છતાં તું ઉલટો ચોર કોટવાલને દંડે તેવો પ્રકાર કરે તે શી રીતે માનું ? અજીજ બીરાદર ? તારી આ વખતની વર્તણુંક પ્રીતીને ખાસ લાંછન આપવા સરખી છે, કેમકે 'પ્રીત તહાં પડદો નહિ, પડદો તહાં ન પ્રીત, પ્રીત તહાં પડદો રહ્યો (તો) સોહી પ્રીત વિપરીત.' ભલે હવે તારા આટલા વર્ષની પ્રીત ઉપર પાણી ફેરવવું હોય તો કંઇ હું કહી શકતો નથી ! જો સેલડીના સાંઠામાં પણ જ્યાં ગાંઠો હોય છે ત્યાં મીષ્ટ રસ હોતો નથી, પણ ગાંઠા વગરની જગ્યાએ રસ હોય છે માટે જરા વિચારી જો ! કેમકે 'જે મતી પીછે ઉપજે, સો મતિ પહેલી હોય, કાજ ન વિણસે આપણો, દુર્જ્જન હશે ન કોય." આવાં આવેશયુક્ત શાહજાદાનાં વચનો સાંભળી વજીર જાદે અરજ કરી કે "અરે ! મારા દિલજાન દોસ્ત નાહક આવાં કઠોર વાક્ય બાણોવડે મારૂં કોમળ-પ્રેમી કાળજું શા માટે ચીરો છો ? અને દુરજનો તો આપણા વચ્ચે નિકટનો સંબંધ થયો જોઈ ગમે તે ખટપટ લગાવી વિખુટા પાડવા ઉદ્યમ ચલાવશે પણ આપ એવી નજીવી શંકાને મહા બળવાન ગણી સાચી માનો તો પછી મારો ઉપાય નથી બાકી હું સાચે સાચું કહું છું કે, મને બીરબલજી કશી પણ ગુપ્ત વારતા કરી ગયા નથીજ !' આ પ્રમાણે વજીર જાદે જણાવ્યું ત્યારે શાહજાદે કહ્યું કે, શું બીરબલજી જેવા અક્કલ બહાદુર અને ચતુર શિરોમણી નરો પણ દુર્જ્જનની પંક્તિમાં છે ? અને એમને આપણી સાથે શું વૈર હતું ? કે આવી દુષ્ટ હીલચાલ ચલાવે ? હશે એ હવે તને પુછવા માંગતો નથી આખરે તેં તારી વર્તણૂંક અમલમાં આણી' હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડો માર્યો' ખેર ! તારા ભવિષ્યમાં પ્રીતિ રૂપી અમૃતનો સ્વાદ લેવો લખ્યો નહિ હોય ? એટલે હું શું કરૂં ? બસ ! હવેથી તું મારી પાસે મિત્રભાવ સમજી આવતો નહી ! જેમ સહુને બોલાવું છું તેમ તને પણ બોલાવીશ. જો કે તારા બુરામાં