પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાણીની આવી પ્રપંચ રચના જાણી શાહે વીચાર્યું કે, 'બીરબલ હરેક રીતે રાણીને સમજાવી મારી પાસે મોકલ્યા વીના રહેનાર જ નથી એવી મને પુરી ખાત્રી છે.' રાણીની આ કપટી ગોઠવણ અમલમાં મુકવા સારૂ દરબારી લોકો જાણે તેમ રાણીની સાથે તકરાર ઉઠાવી એકમેકથી છુટા પડ્યા. પછી અકબરે રાણીને સમજાવી લાવવા કહ્યું. આ આજ્ઞા થતાં જ બીરબલે વીચાર્યું કે એમાં શી મોટી વાત છે. ધણીધણીઆણીની તકરાર વધુ વખત નીભવાનીજ નથી. પરંતુ એની મેળેજ રાણી સાહેબ શાહને મનાવા જાય તેવી યુક્તી રચું તોજ મારૂં નામ બીરબલ ખરૂં ? એટલું કહી બીરબલ રાણીની સામે જઇ સલામ કરી ઉભો રહ્યો. બીરબલને આવેલો જોઇએ રાણી મન સાથે બડબડી કે, ;અરે ! મારા ભાઇનું માન ભંગ કરનાર આવી ચડ્યો છે, ખરેખર આજ એનો ઘાટ ઘડી નાખું? ઘણા દીવસથી માતેલા સાંઢની પેઠે જ્યાં ત્યાં માથું મારી સહુ કોઇને સેહમાં દબાવતો હતો. પરંતુ ઘણું કરે તે થોડાને માટે ?' આવા આવા તર્ક વિતર્ક કરી મનમાં ફુલાતી હતી તેટલામાં બીરબલે કરી આપેલ સંકેત પ્રમાણે એક પટાવળો આવી કહેવા લાગ્યો કે, 'શાહે હુકમ ફરમાવ્યો છે કે થયેલી વાત મુજબ ફલાણો હેતુ જલદી પાર પાડવા ઠીક સંબંધ ધરાવે છે. માટે એ વિષે બીલકુલ બીજા યત્ન આદરશો નહીં, પણ આપણું ચીંતવેલું કામ જેમ જલદીથી સીદ્ધ થાય તેમ તે માટે ઝટપટ ધ્યાન આપવું, નહીં તો વચમાં કાંઇ રાજ ખટપટમાં વીઘન આવી પડશે.' એટલું કહી પટાવાળો ત્યાંથી ચાલી ગયો. પટાવાળાના બોલવા તરફ ખાસ રાણીએ ધ્યાન રાખ્યું હતું તેથી તે સમાચાર સાંભળી મનમાં વીચારવા લાગી કે,'એવી તે વાત શું હશે ? ગમે તેમ હોય પણ છુપા ભેદથી ભરેલી વાત છે ? ઓ બીરબલ ! ઓ બીરબલ ! આ શું કહી ગયો તે તો મને જરા સમજાવ? આમાં મને કંઇ ખબર પડતી નથી. બીરબલે ધીમેથી કહ્યું કે, 'અહો શાહજાદી ! શાહનો એવો હુકમ છે કે આ ભેદ ભરેલ વાતનો ભરમ બે દહાડા સુધી કોઇપણ માણસને જાણવા દેવો નહીં. તેથી તે ભેદનો ભરમ આપની આગળ ખુલો કરી દેવાને લાચાર છું. ધીરજ રાખો, શા માટે અકળાઓ છો ? વાજતે ગાજતે માંડવેજ આવશે ? જુઓ કુદરતનો ચમત્કાર કેવો છે ? એક ક્ષણમાં તમારા ચહેરામાં કેટલો બધો ફેરફાર થયેલો જોવામાં આવે છે ? આ જોઇ મારી અજાયબીનો પાર રહ્યો નથી ? શું કરૂં, સત્તા આગળ શાણપત ચાલતી નથી. કામના દબાણને લીધે આપની આગળ વધુ વખત રોકાઇ શકતો નથી.' એટલું કહી બીરબલ ચાલી નીકળ્યો. બીરબલને ગયેલો જોઇ રાણીએ ઊંડો નીશાશો નાખી બોલી કે, 'હાય ? આતો ધર્મ ધાડ નડી? તસુ વેતરવા જતાં ગજ વેતરાઇ ગયું ? ઠગવા જતાં હું ઠગાઇ? શાહે ઠીક શાણશામાં સપડાવી પોતાનું કામ કાઢી લેવાનું આ ચોકઠું ગોઠવ્યું છે. મને ફસાવી શું બીજી રાણી પરણશે ? અને તે પરણવા માટે આટલી બધી ખટપટ ઉઠાવી છે ? રંગ છે રાજા તારા પ્રંપચી પ્રેમને ! બીરબલને કાઢતાં હુંજ નીકળી જઇશ. માટે મારૂં ડહાપણ આ વખતે કંઇ કામમાં આવે એમ નથી તો પછી શા માટે