પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ નથી ? રાંડોથી ગયેલી આબરૂ પાછી મેળવી શકાતી નથી ? તો પછી શા માટે રાણીને વશ થઇ બીરબલ જેવા વીરભદ્રનું અપમાન કરૂં ? એક રાણીના હઠને માટે આપેલા વચનને ફોક કરૂં ? વચન પાળે તે રાય ? બાકીનાનેતો બાયલાજ સમજવા ?' આવી રીતે મનને દ્રઢ કરીને અકબરે હુરમને ધમકાવીને કહ્યું કે , 'અરે હઠીલી તારી અકલ કેમ ગુમ થઇ ગઇ છે ? બુદ્ધીશાળી બીરબલ જેવા રાજસ્થંભને તોડી નાખવા કેમ તત્પર થઇ છે ? આવું ઉદ્ધત પગલું ભરવાથી કોને હાની થશે ? તેને માટે તેં કંઇ વીચાર કીધો છે? આંખ ઉધાડી ઉંડાણમાં ઉતરી તપાસી જોયું છે ? બીરબલ જેટલી બુદ્ધિ તારા ભાઇમાં છે ? બીરબલ જેટલી શક્તી તારો ભાઇ ધરાવે છે ? હું કહુંછું કે બીરબલ જેટલી તારા ભાઈમાં નથી અને તું પણ સમજે છે તો પછી મારી આજ્ઞાનો અનાદર કરાવવા કેમ ઉન્મત બની છે ? આટલું કહેતાં પણ તું નહીં સમજીશ એમાં તારીજ ખુવારી છે. તારા હઠને ખાતર હું મારી અદ્દલ રાજનીતી, ટેક અને નેકને એબ લગાડવા વીવેકી બીરબલનું અપમાન કરીશ નહીં.' રંગ છે અટંકી ગુણગ્રાહી નીતીવાન રાજાને !

કોઠી ધુવે કાદવ નીકલે ? બહુ તાણવા જતાં તુટી જશે એવો સમય જોઇને રાણીએ વીચારયું કે, 'આ તલમાં તેલ નથી. શહેનશાહની શુદ્ધ પ્રીતી બીરબલ ઉપર છે. તે મારી ખોટી ખડખડથી તુટવાની નથી તો પછી આડો રસ્તો લેવામાં શું લાભ છે ? એના કરતાં તો શાહને વશ કરી ઉપાય યોજીશ તોજ પાર પાડશે.' મન સાથે આવો ઠરાવ કરી હસ્તા મુખડે શાહને કહ્યું કે, 'તમારા અદલ ન્યાયની મને ખાત્રી થવાથી હું આપના અવીચલ પ્રેમને ધન્યવાદ આપું છું.'

અકબરે કહ્યું કે, 'જો આ તારા શબ્દો કપટ રહીત હશે તો તેથી હું ઘણો જ સંતોષ પામ્યો છું. હું તને શુચવું છું કે જો બીરબલનું બુદ્ધીબળ કોઇ પણ યુક્તીથી માત કરી શકો તેવો ઇલાજ શોધી કહાડો ? તો તમારા ભાઇને થયેલા અપમાનનો બદલો વળી શકે.' રાણીએ કહ્યું કે, 'જો આપનો વીચાર છે તો પછી મારી ક્યાં ના છે. લ્યો તારે ભલે થઇ જાય. જોઇએ કેવી ગમ્મત પડે છે ? આમ મારી ઉપર ગુસ્સો બતાવી કોપ ભુવનમાં નીવાસ કરો અને બીરબલને બોલાવીને કહો કે, આજે રાણી પોતાની મેળેજ આવી મને મનાવી જાય. જો આ યુક્તીમાં નહીં ફાવશો તો તમને આપવામાં આવેલો ઓદ્ધો પાછો છીનવી લેવામાં આવશે. આમ થશે તોજ મારી ટેક રહેશે. લાખ જતાં પણ શાખ રહેવી જોઇએ. માત્ર નોકનાજ નાણા છે, માટે જેમ બને તેમ જલદી કરો. જો બીરબલ મને સમજાવવા આવશે તોપણ હું સમજીશ નહીં, એઠલે પોતાની મેળેજ નીરાશ થઇ લજીત બની ચાલ્યો જશે. જો જો આપ આ ભેદ બીરબલને કહેશો નહીં.'