પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાગ નવમો


વારતા હેંસીમી.
-૦:૦-
અધર લટકતો મહેલ.
-૦:૦-

એક એકથી અધીક છે, અકલવંત જગમાંય;
બહુ રત્ન ધારીણી ધરા, કરો ન ગર્વ કદા.

એક સમે દરબાર ભરાઇ આનંદની વારતાઓ ચલાવી અકબરના મનને રંજન કરી રહી હતી. આ આનંદની લ્હેરમાં ચઢેલા શાહે બીરબલને કહ્યું કે, 'અહો સુજ્ઞ બીરબલ! મારે માટે એક અધર લટકતો મ્હેલ બનાવો કે જેના થાંભલાઓ નતો જમીન ઉપર રહે કે નતો આકાશમાં અડે. શાહનો આ ચમત્કારીક સવાલ સાંભળી વીવેકથી બીરબલે કહ્યું કે, 'જેવું હજુરનું ફરમાન, કરી દરબાર બરખાસ્ત થયા પછી બીરબલ પોતાને ઘેર આવ્યો અને આ સંબંધી તે મહા વીચારસાગરમાં ડુબી ગયો. તેને કંઈ પણ વીચાર ન સુઝવાથી તે મહા ખેદ પામવા લાગ્યો. આ ખેદથી બીરબલના મુખપરની લાલી સફેત પુણી જેવી થયેલી જોઇને તેની પુત્રીએ ધીમે સ્વરે પુછ્યું કે, 'અહો સુજ્ઞ પીતાજી ! આજ આપ કેમ શોકસાગરમાં ડુબી ગયા છો ? શી આફત આવી પડી છે ! હોય, મહાન પુરૂષો પણ કોઇ વાર આફતોમાં ઘેરાઇ જાય છે તો પણ તેઓ ઝાઝો શોચ કરતા નથી. માટે શોચ તજી મને કહેવામાં હરકત નડતી ન હોય તો મને તમારા દુઃખથી વાકેફ કરશો. કેમ દરેક કુવાના દરેક પાણીમાં જુદો જુદો સ્વાદ રહેલો છે, તેમ દરેક માણસની બુદ્ધી પણ જુદી જુદી હોય છે. જેમ જુદા જુદા દેશોના આચાર વીચાર પણ જુદા જુદા જોય છે, અને માણસો વચ્ચે જુદા જુદા પ્રકારની જે ખુબીઓ રહેલી છે, તેમજ મનમાં ઉત્પન્ન થયેલી વ્યાધી માટે આપણાથી ચઢતી બુદ્ધિવાળા અથવા ટુંકી બુદ્ધિવાળા માણસની પાસે જો આપણા મનની વ્યાધી જ્યાં સુધી કહીએ નહીં ત્યાં સુધી તેનો અંત આવતો નથી. પોતાનું દુઃખ બીજાને કહેવાથી દુઃખનો બોજો ઓછો થાય છે, મનને આધાર મળે છે અને મનની ચિંતાનો નાશ કરવાનો ઉપાય પણ સુઝી આવે છે.