ગંગે ધીમેથી કહ્યું કે, ' એ બધો પ્રતાપ નામવર શાહનો છે.'
બીરબલે કહ્યું કે, ' પણ એમાએ પોતામાં રતિ જોઈએ. રાત વગરનું કાંઈ નથી.'
ગંગે કહ્યું કે, 'પુરૂષમાં જ્યાં સુધી રતિ ન હોય ત્યાં સુધી તે નકામો છે. સાંભળો.'
સવૈયા
રતિબિન રાજ રતિબિન પાટ, રતિબિન છત્ર નહિ એક ટીકો.
રતિબિન સાધુ રતિબિન સંત, જોગ ન હોય જતીકો.
રતિબિન માત રતિબિન તાત, રતિબિન માનસ લાગત ફીકો.
કવિ ગંગ કહે સુનો શાહ અકબર, નર એક રતિબિન એક રતિ કો.
હજુર ! રતિ વગર બધુંજ ફોકટ છે.' આ સાંભળી શાહે તેને શાબાશી આપી.
દુહો
સબ નદીઅનકો નીર હે, ઉજ્વલ રૂપ નિધાન,
શાહ પુછે કવિ ગંગકું જમુનાક્યું ભઈ શ્યામ?
કેટલીકવાર સુધી કેટલોક વિનોદ ચાલ્યા પછી શાહે પુછ્યું કે, 'ગંગજી ! બધી નદીઓના પાણી ઉજળા છે છતાં આ જમુનાનદીના પાણી કેમ કાળા છે ?'
ગંગે કહ્યું કે, 'ખાવીંદ ! અબ સુનીએ.
સવૈયા
જા દિનતેં જદુનાથ ચલે, બ્રજ ગોકુલસેં મથુરાં ગિરિધારી.
તાં દિનતે બ્રજનાયિકા સુંદર, રંપતિ ઝંપતિ કંપતી પ્યારી.
ઉનકે નેનકી સરિતા ભઈ, (જેસે) શંકર સીસ ચલે જલભારી.
કવિ ગંગ કહે સુન શાહ અકબર, તાં દિનતે જમુના ભઈ કારી.
શાહ આ સાંભળી વધારે આનંદ પામ્યો. અને એક કીમતી સરપાવ ગંગને આપ્યો.