પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાગ અગીયારમો


વારતા સતાણુંમી
-૦:૦-
દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ
-૦:૦-

એક દીવસે સાંજના શાહ અને બીરબલ છુપે વેશે ફરવા નીકળ્યા. તેમને સાદા વેશમાં ગંગ સામો મળ્યો. ગંગે શાહ બીરબલને ન ઓળખ્યા, પણ શાહનું ધ્યાન તેની તરફ ખેંચાયું. તેને બીરબલને કહ્યું કે, 'સામેથી ગંગ આવે છે તેને આપણી સાથે લઈએતો વધારે આનંદ થશે.'

બીરબલે શાહની મરજી જોઈ ગંગને બોલાવી તેને પણ પોતાની સાથે આવવા કહ્યું. ગંગે તે નોતરૂં ઘણી ખુશીથી કબુલ કર્યું. આ ત્રણે જણા ત્યાંથી આગળ ચાલ્યા. તેઓ એક સાંકડી ગલીમાં પેઠા. આ ગલી બહુજ સાંકડી હતી અને ત્યાં ગરીબ હાલતના લોકો વસતા હતા. તેમાંનો એક માણસ એક ખુણામાં બેસીને હાય અફસોસ કરતો હતો. તેને રડતો જોઈ ગંગે પુછ્યું કે, કેમ ભાઈ, તું શા માટે અફસોસ કરે છે ? તને શું દુઃખ છે ?'

પેલા દુઃખી માણસે કહ્યું કે, ' હું બે દહાડાનો ભુખ્યો છું, તેથી મારા નશીબ ઉપર અફસોસ કરતો બેઠો છું. હું આ શહેરમાં થોડાં વખત પહેલાં આવ્યો છું. મારી પાસે થોડાક પૈસા હતા તેમાંથી આટલા દીવસ કાઢ્યા. મેં નોકરી અને ધંધો કરવાનાં બહુ ફાંફા માર્યા પણ હું તેમાં ફાવ્યો નહીં. આજ બે દહાડા થયા મારી પાસેના બધા પૈસા પુરા થઈ રહ્યા છે. હવે આ અંગ ઉપરના કપડા સિવાય બીજું કાંઇ પણ મારી પાસે રહ્યું નથી. ભીખ માગીને જીવવા કરતાં હું મરવું વધારે પસંદ કરૂં છું.'

તેની દયાજનક વાત સાંભળી ગંગે કહ્યું કે, 'જો ભાઈ સાંભળ,


મોર મેરૂ પર ચુંગે, ચુંગે હંસા જલ સરવર,
શેર જંગલમેં ચુંગે, ચુંગે પંછી જલ સરવર:
ગજ કદલીબન ચુંગે, ચુંગે પાતાળ ભુજંગમ,
મછ કછ સબહિં ચુંગે, ચુંગે ઘર બધે તુરંગમ;
જીવ જંત સબહિં ચુંગે, વાકી ગાંઠ ક્યાં ગર્થ હે,
ચિંતા મત કર નિશ્ચિંત રહે, પુરનહાર સમર્થ હે.

હે માનવી ! ધીરજ રાખ. જેણે દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ. એ વાતની તારે ખાત્રી રાખવી.'