પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેણે કહ્યું કે, 'ધીરજ રાખે રહેતી નથી ? હવે તો મારાથી ઉઠીને ચલાય તેમ નથી. આજ છ છ રોજ થયા ભુખ કરતાં અરધુંએ ખાવાનું મળતું નથી. કટકો રોટલો મળે તો હું આખો મલ્યો સમજી સબુરી રાખું છું, પણ હવે તો મારી સબુરી રહે તેમ નથી. આજ રાતમાં મારો દેહ પાડીશ.'

આ વાત થતી હતી તેથી આ કોઈ ખરેખરોજ દયાને પાત્ર છે એવી શાહ અને બીરબલની ખાત્રી થઈ. તેથી શાહ બીરબલને ઇસારત કીધી એટલે બીરબલે પોતાની પાસેના પૈસા કાઢી એક કપડામાં લપેટી પેલાના હાથમાં આપીને કહ્યું કે, 'આ લે, એમાં થોડાક પૈસા છે, એનાથી તું તારૂં જોઈ લેજે. જીવ આપ્યાથી કાંઈ જોવાનો નથી. જીવતો નર ભદ્રા પામશે.'

આટલું કહી આ ત્રણે જણ ત્યાંથી ચાલતા થયા. પછી પેલા માણસે કપડું છોડી જોયું તો અંદરથી સોનાની વીસ અસરફી નીકળી. આટલા પૈસા તો તેને મન એક મોટી પુંજી જેટલા હતા. તેણે મરવાનો વીચાર છોડી દીધો. અને પોતાને આવી એનની વખતે મદદને કરનારને હજારો આશીર્વાદ આપતો તે પોતાને ઠેકાણે ગયો અને બીજા દીવસથી થોડો થોડો માલ ખરીદી આબરૂ અદબથી પોતાનું પુરૂં થાય એટલું કમાવા લાગ્યો.

આવી રીતે ગુપ્ત ધર્માદા કરી શાહ અને બીરબલ હજારો ગરીબ માણસોના ખરા અંત:કરણના આશીર્વાદ મેળવતા હતા.

-૦-