એક સમે મોહોરમની કતલની રાતે ઓલીયાની દરગાહમાં બીરબલ પોતાના છોકરાને સાથે લઇ શાહના પ્યાર માટે પગે લાગવા ગયો હતો, તે વખતે બીરબલના છોકરાના પગમાં ઘણી કીમતી ઝીક ટપકીથી ભરેલી મોજડીઓ હતી તે દરઘાહમાં જતી વખતે પગમાંથી ઉતારી પગે લાગવા ગયો હતો. પગે લાગી પાછા ફરતાં એક મોજડી ગુમ થયેલી જણાઇ, લોકોની બહુ ઠઠ હોવાથી મોજડીની શોધ લાગી નહીં. તેથી બીરબલ એક મોજડી લેઇ પોતાને ઘેર ગયો. મોજડી ઠોકર ખાતી ખાતી છેક ઓલીઆની કબર નજીક જઇ પડી. દરઘાહ બંધ કરવાનો વખત થયો ત્યારે પઈસા વગેરે સમેટી લેતાં મોજડી નજરે પડી તે ઉપાડીને જોઇ તો મહામુલ્યવાન લાગી. આ મોજડીને હાથમાં લઇને પગે લાગવા આવેલા લોકોએ કહ્યું કે, 'આ મોજડી કાંઈ આદમ જાતની નથી, પણ નક્કી ઓલીઆ પીરની હોવી જોઇએ નહીં તો કબર નજીક ક્યાંથી હોય ? ખચીત ઓલીઆની આ પ્રસાદી છે. એમ માની ઓલીઆના મહા પ્રસાદને સર્વે મુસલમાનો તોબાહ સાહેબ એમ બોલતા માથે આંખે અડાડી ગાલે લગાડવા લાગ્યા. બાલ બચ્ચાંને અને બીબી વગેરે તમામ લોકને માથે આંખે અને ગાલે ઉપરનો શબ્દ બોલતાં અડકાડતાં હતાં. અને પોતાને બહુ ભાગ્યશાળી સમજતા હતા. સહવાર પડતાંજ તે ઓલીઆનો મુજાવર તે મોજડીને લઇને શાહ પાસે જઇ રાતની બનેલી હકીકત કહી સંભળાવી. તેથી શાહ ઘણો ખુશી થઇ પોતે તથા પોતાની હુરમ વગેરે તે મોજડીને માથે આંખે અને ગાલે અરાડી તોબા સાહેબ એમ કહી પાક પરવરદીગારનો આભાર માન્યો. આ ધામધુમ ચાલી રહી હતી એટલામાં બીરબલ કચેરીમાં દાખલ થયો. તે જાણીને શાહે તરત ઓલીઆની ચમત્કારીક પ્રસાદની વાર્તા કહી મોજડી બતાવી. તે જોઇ બીરબલે કહ્યું કે, 'સરકાર ! એ તો મારા છોકરાના પગની મોજડી છે, જો આપની ખાત્રી ન થતી હોય તો એની જોડીની બીજી મોજડી મારે ઘેરથી મંગાવી આપું. એમ કહી બીજી મોજડી મંગાવી મુકાબલો કરતાં એકજ જાતની અને તેના છોકરાના પગનીજ જણાઇ. આ બંને મોજડીનો મુકાબલો થતાંજ શાહ મુજાવર અને બીજા બધા મુસલમાનો શરમાઈ ગયા કે આપણે ઓલીઆનો પ્રસાદ સમજી માથે આંખે અને ગાલે બીરબલના છોકરરાના પગની મોજડી અડાડી એ કેટલી બધી અણવીચારી ભુલ થઇ છે. હશે હવે સબસે બડી છુપ !' એમ કહી મુંગે મોઢે પોતપોતાને કામે લાગ્યા.