પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સવાલ પહેલો--તમારી શરત કબુલ કરતા પહેલો સવાલ પુછું છું કે, ' આજ રાતે હું સુતો હતો તે વખતે પહેલા પહોરમાં કોઇ સ્ત્રીનો વેશ લઇને આવ્યું, અને મને કહ્યું કે, ઉઠ ત્યારે મેં તેને પુછ્યું કે, તમે કોણ છો ? તેણે કહ્યું કે, હું મતી છું. મેં પુછ્યું કે તમે ક્યાં રહો છો ? તેણે કહ્યું કે હું કપાળે રહું છું હવે એ કપાળે રહે છે તે તો ખરૂં પણ કોઇ વખતે તે આઘી પાછી જાય છે કે નહીં ?

સવાલ બીજો--વળી બીજો પહોર થયો એટલે કોઈ સ્ત્રી આવી, તેને મેં પુછ્યું કે તું કોણ ? તેણે કહ્યું કે, હું શરમ. તું ક્યાં રહે છે તો કહે કે હું આંખમાં રહું છું. તે તો ખરૂં; પણ તે ત્યાંથી ક્યારે આઘી પાછી જાય છે ?

સવાલ ત્રીજો--ત્રીજા પહોરમાં હું આ બે વાતોનો નિશ્ચય કરતો હતો. એટલામાં વળી કોઇ સ્ત્રીને વેશે આવ્યું. તેને જોઇને મેં પુછ્યું કે, તમારૂં નામ શું ? તો કહે કે મારૂં નામ હીંમત. વળી મેં તેને પુછ્યું કે, તમે ક્યાં રહો છો ? તો કહે કે હું છાતીએ રહું છું. એ વાત ખરી; પણ એ કોઇ વખત ત્યાંથી ખસે છે કે નહીં ?

સવાલ ચોથો--ચોથા પહોરમાં હું આ ત્રણે વાતોનો નિશ્ચય કરી રહ્યો હતો; એટલામાં કોઇ તરેહવાર પોશાક પહેરીને આવ્યું. તેનો વેશ સ્ત્રીનો એ નહોતો તેમ પુરૂષનો પણ નહોતો. તેથી મેં વીસ્મય પામીને પુછ્યું કે, તમે કોણ છો ? તો કહે હું બળ છું, ત્યારે કહ્યું કે તમે ક્યાં રહો છો ? તો કહે કે હું શરીરમાં તથા હાથમાં રહું છું. હવે આ વાત ખરી છે. પણ બળ શરીરમાંથી તથા હાથમાંથી કોઇ વખત આઘું પાછું થાય છે કે નહીં ? આ મારા ચારે સવાલના જવાબ આપો. તમારાથી આપી શકાય તેમ નહીં હોય તો પુતળું બાંધી ક્ષમા માગો.

બીરબલે કહ્યું કે, ' મહારાજ ! ધીરજ રાખો. અભીમાનના ઘર ખાલી છે. હું પદ ધારણ કરનાર માણસ આ જગતને જીતી શક્યો છે ? તો પછી શા માટે પાણીના પરપોટા પેઠે ફુલી ગયા છો. આ અકબરની દરબારમાં બેસનારા તમારા જેવા અહંકારી નથી પણ વિદવાનોનું સન્માન કરનારા છે. તેલ જુઓ તેલની ધાર જુઓ પછી કુદકા મારજો. માટે હું તમારા ચારે સવલોના જવાબ આપું છું તે સાંભળો.

તમારા પહેલા સવાલના જવાબમાં કહું છું કે, 'મતિ કપાળે રહે છે એ વાત તમારી ખરી છે. પણ જ્યારે કાળ આવે છે ત્યારે મતિને ફેરવી નાંખે છે. તે વખતે ગમે તેવો સમજુ પુરૂષ હશે તેની પણ મતી મોત ફેરવી નાંખે છે.'

તમારા બીજા સવાલના જવાબમાં કહું છું કે, 'શરમ તો આંખમાંજ રહે છે એ વાત તમારી ખરી છે, પણ જ્યારે માણસને કામ ઉત્પન્ન થાય છે ત્યારે તે શરમ તે વખતે આંખમાંથી એ જતી રહે છે.'