પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારા ત્રીજા સવાલના જવાબમાં કહું છું કે, 'હીંમત છાતીએ રહે છે એ વાત તમારી ખરી છે પણ જ્યારે બીક માણસના શરીરમાં દાખલ થાય છે, ત્યારે હીંમત ખશી જાય છે.'

તમારા ચોથા સવાલના જવાબમાં કહું છું કે, 'બળ શરીર તથા હાથમાં રહે છે, એ વાત તમારી ખરી છે, પણ જ્યારે માણસને ઘડપણ આવે છે ત્યારે તે બળ તેમાંથી જતું રહે છે.'

આ ચારે સવાલના જવાબ દીધા પછી બીરબલે તેને પુછ્યું કે, ' કેમ મહારાજ ! આ તમારા ચારે સવાલના જવાબ બરાબર છે કે નહીં ? ના હોય તો સાફ કહેજો ? અને બરાબર હોય તો તમારે પગેથી પીસ્તાળીશ પુતળા છોડી આપીને તમારે રસ્તે પડો. હવેથી કોઇ દીવસ મનમાં એવું અભિમાન રાખશો નહીં. આતો અદલ ઇનસાફી અકબર બાદશાહનું રાજછે તેથી જીવનદાન આપી છોડી દે છે.'

આ સાંભળી તે અભિમાની બ્રાહ્મણ શરમાઇ ગયો. અને તેનો મ્હોનો ચ્હેરો ફીકો પડી ગયો. આ સવાલના જવાબ સાંભળવાને બેઠેલી તમામ દરબારને બે હાથે આશીરવાદ આપીને તે બ્રાહ્મણે કહ્યું કે, ' હે શાહના શાહ ! તમારો સદા જય થાઓ ! તમારી દરબારને આવી રીતે શોભાવી રહેલા રત્નોને જોઇ મને મહા આનંદ થયો છે. હું તર્કવાદી છું પણ શાસ્ત્રીવાદી નથી. શાસ્ત્રીવાદીને જીતનાર તો દરેક સ્થળે મળી આવે છે. પણ તર્ક શાસ્ત્રી મળી આવતા નથી. તે તર્ક શાસ્ત્રીઓ તમારી દરબારમાં છે તે જોઇ મારા ગર્વનો નાશ થયો છે.' એટલું કહીને તેણે તરત પોતાને પગેથી પીસ્તાળીશ પુતળા છોડી તે ચાલતો થયો. બીરબલની આ મહાન શકતી જાણતાજ તમામ દરબાર બીરબલને હર્ષની ગર્જના કરી વધાવી લીધો.

-૦-