પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાગ તેરમો
વારતા એકસો આઠમી
-૦:૦-
પાંચ સવાલના જવાબ
-૦:૦-

નવલપુર નગરના ચતુરસીંહ નામના એક રાજાએ એક વખત શાહના નવ રત્નોની ચાતુરી જોવા માટે એક પત્રમાં પાંચ સવાલ લખી મોકલી તેનો જવાબ માગ્યો કે, 'આંખ છતાં આંધળો, દયાનો સાગર, હાથનો હીરો, બજારની ખાટ, અને નરકની વાટ. આ પાંચે સવાલોનો જવાબ ચાર માસની અંદર લખી મોકલો નહી તો મારી સાથે યુદ્ધ કરવા તત્પર થવું. ખેપીઆના હાથમાંથી શાહે આ પત્ર લઈ વાંચી વીચારી કરી મનમાં કહ્યું કે, ' મારા બુદ્ધીવાન નવ રત્નો કેવાં છે તેની પરીક્ષા કરવા માટે ચતુરસીંહ રાજાએ પાંચ સવાલ લખી મોકલ્યા છે તેનો જવાબ તેજ રત્નો પાસેથી માગવો જોઈએ ? તેઓ પોતાની બુદ્ધિ રૂપી ઘોડો ક્યાં સુધી દોડાવે છે ?' આવો વીચાર કરીને તેણે વળતે દીવસે કચેરી ભરીને પોતાના દરબારીઓને કહ્યું કે, આંખ છતાં આંધળો , દયાનો સાગર, હાથનો હીરો બજારની ખાટ અને નરકની વાટ. આ પાંચે સવાલો જવાબ એક માસની અંદર લાવી નહીં આપો તો તમને બધાને દેહાંત દંડની શીક્ષા કરવામાં આવશે.' આ પ્રમાણે શાહનો હુકમ સાંભળી તમામ કચેરી ભયભીત બની ગઈ અને તેઓએ ગામેગામ અને દેશો દેશમાં તેની શોધ ચલાવી પરંતુ કોઈ ઠેકાણેથી તે વસ્તુઓ મળી શકી નહીં. શું આ વસ્તુઓ ઝાડ ઉપર કે જમીન ઉપર પાકતી હશે ? કે શું કોઈની દુકાનેથી મળતી હશે ?’ તે પણ કોઈના સમજવામાં આવી નહીં. અહીંતો મુદ્દત પુરી થવા આવી પણ પાંચેમાંથી એકે ચીજ હાથ લાગી નહીં. તેથી દરબારી મંડળ ગભરાયું અને બીરબલને વીનવીને કહ્યું કે, ‘આપ વગર આ પાંચે વસ્તુઓ મળી શકનાર નથી. જો આપ કૃપા કરશો તોજ અમારો બચાવ થશે. આપનો ઉપકાર નહીં ભૂલીએ. આ લોકોની આવી દીનવાણી સાંભળી બીરબલે શાહની હજુરમાં જઈને કહ્યું કે, ‘સરકાર ! આપે જે પાંચ વસ્તુઓ દરબારી પાસેથી માગી છે તે નવલપુરમાં ગયા વગર મળવી કઠણ છે. માટે હુકમ કરો તો નવલપુર જઈ ચતુરસીંહને આપી આવું.’ બીરબલની આ વાત સાંભળી શાહ બહુ ખુશી થયો. અને માલ ખજાનો અને સાથે નોકર ચાકર આપી બડી ધામધુમથી શાહે બીરબલને નવલપુર તરફ જવાને રવાના કીધો. તે સામે શાહે પોતાની મહોર છાપનો પત્ર એવી મતલબનો લખી આપ્યો કે, ‘ આપની મંગાવેલી વસ્તુઓ મારા પ્રધાન સાથે મોકલી છે, તે મળેથી વળતી પાછી પહોંચ લખી આપશો.’