પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થોડાક દીવસ પછી બીરબલે નવલપુર જઈને એક સુંદર બંગલો ભાડે લઈ તેમાં નીવાસ કરવા લાગ્યો.આ નગરના લોકોની રીતભાતથી તથા ચતુર લોકોની ચાતુર્યતાથી જાણકાર થયા બાદ પૂર દમામથી બીરબલ નગરમાં ફરવા લાગ્યો. જે તેને પૂછતું તેને તે કહેતો કે, હું કાશ્મીરના રાજાનો પ્રધાન છું.’ મહોટા રાજાનો પ્રધાન જાણી ત્યાંના અમીર ઉમરાવો અને સરદારો મહોટા માન મરતબા સાથે મેજબાનીઓ આપતા હતા અને તેની સાથે મીત્રાચારી બાંધી.

એકા દીવસે બીરબલ સાથે ચાર સીપાઈ લઈ એક સાધારણ માણસની પેઠે દયારામ નામના વેપારીની દુકાને ગયો. આને જોઈ તે વેપારીએ તેને માન આપી ગાદી પર બેસાડી આવવાનું કારણ પુછ્યું. તેના જવાબમાં બીરબલે કહ્યું કે, ‘શેઠજી ! કાશ્મીર રાજાની કન્યા તમારા રાજાના કુમારને આપવાનો નીશ્ચય કરેલ છે, તે માટે ચાંદલાના રૂપીઆ આપવાનો જે ઠરાવ થયો છે તે સઘળી રકમ તમારો રાજા આગળથી માગે છે પણ તેટલી રકમ મારી પાસે નથી માટે પુરી કરવા માટે મેં મારા રાજા ઉપર કાગળ લખી હૂંડી મંગાવી છે, પણ તે હુંડીને આવતા લગભગ છ દીવસ લાગશે. અને તમારો રાજા તો આજ ને આજ પહેરામણી માગે છે માટે હમણાં આપવીજ જોઈએ. જો તે રકમ હમણાં ના ભરાયતો કામમાં ખલેલ પડે. તે ખલેલને દુર કરવા માટે આપની પાસે આવ્યો છું.જો મને રૂપીઆ દશ હજારની મદદ છ દીવસના માટે જ આપશો તો મહોટી મહેરબાની ! હું વ્યાજ સાથે મુદ્દત પ્રમાણે આપને પાછા નાણાં આપીશ.' પ્રથમથીજ કાશ્મીરના પ્રધાનના વખાણ સાંભળેલા હોવાથી તે વેપારીએ વગર અચકવે તેની માંગણી સ્વીકારીને કહ્યું કે, ‘જેટલા જોઈએ તેટલા રૂપીઆ લઈ જાઓ.‘ એમ કહી તેને દશ હજાર રૂપીઆ ગણી આપ્યા. તે લઈ બીરબલ પોતાને મુકામે ગયો.

થોડા દીવસ વીત્યા પછી એક બીજા પૈસાની મદથી અંધ બનેલા શેઠને ત્યાં બડા ઠાઠમાઠની સાથે બીરબલ ગયો છતાં તે પૈસાના અભીમાની દેવે કાંઈ પણ આવકાર ન દેતા જાણે કશું એ જાણતો ના હોય તેવો ડોળ કરી બેસી રહ્યો. અંતે બીરબલે પોતાની સઘળી હકીકત કહી સંભળાવીને રૂપીઆ પંદર હજારની માંગણી કરી. શેઠે ઓળખાણ માગી. બીરબલે બીજી રીતે સમજાવી શેઠને ઠંડાગાર કરી દીધા. બીરબલના શરીર પરના દાગીના જોઈ મનમાં લલચાયો અને સરકારી કામ માટે આવેલ છે તેથી પણ કાંઈ ફાયદો થશે. માટે આ વખતે તેનું કામ કરીશ તો તે મારા તાબામાં રહેશે. આવો વીચાર કરીને શેઠે તેને કહ્યું કે, ‘ જો કે તમારૂં કામ હું તમારા માનની ખાતર કરવા કબુલ કરૂં છું. પણ વ્યાજ તો પ્રથમથી જ કાપી લઈશ. તેની સાથે લેખ પણ લખી આપવો પડશે.’ બીરબલે તે મુજબ કરી આપી સાડાનવ હજાર રૂપીઆ લઈ પોતાને ઠામે ગયો.