પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો નવીમી
-૦:૦-
અદલ ઈનસાફને હરતાલના પાણીમાં ધોઈ નાંખો
-૦:૦-
વખત વિચારી જે વદે, પામે સદા સન્માન;
દહે શોક દુઃખ દરિદ્રતા, રહે નેક રસ વાન.

એક વખતે અકબરે ચોરને ફાંસીએ લટકાવવાનો હુકમ કીધો. તેથી તે શાણો ચોર જરા પણ હીંમત ન હારતાં બંને હાથ જોડીને કહ્યું કે, 'હજુર ! આ એક વખતનો મારો અપરાધ માફ કરો. જો આપ આ વખતે મને છોડી બક્ષશો તો, હું એક અજાયબી ભરેલો હુન્નર આપ આગળ પ્રકાશ કરીશ. તે હુન્નર આજ દીન સુધી મારા વગર હાલમાં કોઈ પણ જાણતું નથી. જો મારો નાશ કરવામાં આવશે તો તેની સાથે હુન્નરનો પણ નાશ થશે. પછી જેવી સરકારની ઈચ્છા.'

ચતુર ચોરનું આ વાક્ય સાંભળતાંજ આતુરતાથી શાહે પુછ્યું કે, 'જે કોઈ જાણે નહીં એવો તો તું કેવો હુન્નર જાણે છે તે તો જરા જણાવ ?' ચોરે કહ્યું કે, 'સરકાર ! હું સાચા મોતી ઉગાડી જાણું છું!' ચોરની આવી અજાયબ જેવી વાત સાંભળી શાહ આશ્ચર્યતા પામીને મનમાં વીચાર કરવા લાગ્યો, કે 'મોતી તે વળી કેવે પ્રકારે ઉગતાં હશે ? શું તે મંત્ર તંત્રથી કે સાધુની સીદ્ધાઈથી કે વનની જડીબુટ્ટીઓથી અનાજની પેઠે ઉગતા હશે ? જગતના પિતાએ આ જગતમાં એક એકથી અધીક બુદ્ધિશાળી, એક એકથી વધારે કળાવાન અને ઇલ્મી માણસોને ઉત્પન્ન કરેલાં છે, વળી કપાળે કપાળે પણ જુદી જુદી મતી હોય છે, જેમ કુવાનાં પાણીઓ જુદા જુદા ગુણવાળાં હોય છે. દેશો દેશના આચાર વીચાર પણ જુદા જુદા હોય છે અને જણ જણના મુખની વાણી પણ જુદા જુદા પ્રકારની હોય છે, તેમ આ ચોરમાં ઈલમ કાં ન હોય ? હોવોજ જોઈએ ! અકલ અંધારે વેંહેચાયલી છે. જો સોનું વિષ્ટામાં પડ્યું હોય તોપણ તેને લેવા કહ્યું છે.' આવો વીચાર કરીને શાહે ચોરને કહ્યું કે, ' તે મોતી કેવા પ્રકારે ઉગે છે તેતું જો બરોબર બતાવીશ તો તારા હકમાં મોટો લાભ થશે.'

આ સાંભળી તે ચોરે કહ્યું કે,'ગરીબ પરવર ! મને જે જે તે બાબતમાં મસાલા જોઈએ તે પુરા પાડવાનો બંદોબસ્ત કરી આપશો એટલે તરત આપને મોતી ઉગાડવાની કળા બતાવી દઉં.' ચોરે ઉતારી આપેલા મસાલા પ્રમાણે મસાલો મંગાવીને શાહે ચોરની આગળ મુક્યો. જે લઈને તે ચોર બહાર ગયો. અને એક સ્વચ્છ ભુમી શોધી જેમ ખેડુત અનાજની વાવણી કરવા માટે પ્રથમ ખેતરને ખેડે છે તેમ આ ચોરે તે સ્વચ્છ ભુમી ને ખેડીને તેમાં મસાલો